Proud of Gujarat
FeaturedGujaratINDIA

અત્તા માંઝી સટકલી : અંકલેશ્વરવાસીઓને પ્રદુષણે અંદરથી ખોખલા કરી દીધા….

Share

આજના દિવસની શરૂઆત રાતના એક વાગ્યાથી, ભરઉનાળે વરસાદથી થઈ. આમ તો ખબર ના પડે કે અડધી રાતે બહાર શું થાય છે. પરંતુ અમે એ કામ વીજ કંપનીને સોપ્યું છે. વરસાદની શરૂઆત થઈ નથી કે વીજળી ડૂલ થઈ નથી. બાકી લગભગ દરવર્ષે, જો અડધી રાતે ઊંઘ ઉડી ગઈ હોય તો, 5 જૂને પણ અમે ફેફસામાં પ્રદુષિત હવા જ ભરતા આવ્યા છે. હવે સાલું, પોલ્યૂશન વગર ગમતું પણ નથી.( શુદ્ધ હવા પચતી જ નથી ).
કસમથી, યાદ કરો, એવુ ક્યારે થયું હતું, જયારે વરસાદના નાનકડા ઝાપટામાં આપણો પંખો પણ ચાલતો હોય!… સાલું, એક તરફ પહેલા વરસાદની મઝા લેવાની તમન્ના હોય, બહાર ઝરમર વરસાદ વરસ્તો પણ હોય, ઝેરી ગેસના ધુમાડા, સોરી, કેમિકલ કમ્પનીઓના અત્તર જેવા, અગરબત્તી જેવા, ખુશ્બૂદાર, સદાબહાર વાતાવરણ વચ્ચે, ભીની માટીની સુગંધ પણ આવવી શરૂ થઈ હોય…. પણ…. પણ બાજુમાં સુતેલી ઘરવાળીના નસકોરા ( હા, music… બસ ) અચાનક બંધ થઈ જાય!!.. પંખા વગર તો એના નસકોરાય ના બોલે. અંધારી અડધી રાતના સન્નાટામાં એનો ધીરેથી બબળાટ ચાલુ થાય. અંધારામાં ક્યાંકથી એના અને આપણા માટે, હવા ખાવા, પુઠઠુ શોધવા નીકળવું પડે..!. ઊંઘમાં પલંગ પરથી ઉતારતા ડબ્બા જોડે ભટકાઈએ એટલે અવાજ થાય. અવાજ સાંભળીને સુતેલુ બાળક પણ ઝબકે. ગરમી વર્તાય એટલે એનું ધીમા સુરે રુદન શરૂ થાય જે છેક ભેંકડા સુધી વિસ્તરે. આથી, અડધી રાતે ઊંઘમાં વિક્ષેપ પડવાથી ભડકેલી શ્રીમતી, આગળ પાછળનો સઘળો ગુસ્સો ( હિસાબ ) શાબ્દિક સ્વરૂપે ઓકવાનું શરૂ કરી દે. ( દે નહીં, દીધું. ત્યારે તો લખ્યું!! ).

પત્નિની જેમ જ આપણે પણ દિવસભર કામ કરીને થાક્યા હોઈએ. મીઠી નીંદર વચ્ચે જ લાઈટ જાય, અને તેય 2-3 કલાક સુધી, તેમાં આપડો શું વાંક? હેં??… વીજ કંપનીવાળાઓને સો – સવાસો ગાળો ભાંડવા સિવાય આપડે બીજું કરી પણ શું શકીએ? મન મનાવવા વીજ કંપની પર ફોન કરીએ તો… કસમથી, ટ્રાય કરજો… સતત એન્ગેજ જ આવશે. પછી ભલે તે મોબાઈલ નમ્બર હશે. અને ભૂલે ચુકે ફોન ઉપાડે તો, કોઈ એપ્રેન્ટિસ કરતો નવો સવો છોકરો જવાબ આપશે કે આગળથી બન્ધ છે, વાયર તૂટ્યો છે, ટીમ નીકળી છે, ફોલ્ટ શોધીએ છીએ…. વગેરે.

Advertisement

તારી ભલી થાય, લલ્લુ, મારે આ બૈરાં છોકરાને કેમના પટાવવાના ?? એકાદ વરસાદી ઝાપટામાં તો તમારી પોલ ખુલ્લી પડી જાય છે તો પછી પેલું પ્રિ – મોન્સૂનની કામગીરીના નામે પેપરોમાં જાહેરખબરો આપી અંધારપટ કરેલો એ શું હતું ? સામાન્ય વરસાદમાં જ તમારું તંત્ર કેમ સાવ ધોવાય જાય છે ? વાવાઝોડું હોય તો સમજ્યા, પણ આ સાવ નજીવા વરસાદમાં પણ…. વીજળી ડૂલ ? આ તમારા કોકના ઘર ભંગાવાના ધંધા ક્યારે સુધરશે ?? હેં ?? હમણાં લાઈટો આવશે, હમણાં આવશે… એવુ તમારા વતીનું આશ્વાસન મારે ક્યાં સુધી આપ્યા કરવાનું?? હેં ?? ત્રણ કલાક બૈરી છોકરાને પુઠ્ઠા વડે પવન નાખી જોજો, આંખમાંથી વરસાદની બૂંદો ટપકશે. એમાંય મચ્છર, સાલા બૈરીના પગ પરથી ઉડીને આપડી ફાટલી બન્ડીના કાણામાં જ ચટકે!!..કેટલા દુઃખ ગણાવવાના?? હનુમાનચાલીસા ય કેટલું ખેંચે ?? હેં ??

હા, મને ખબર છે, આજે પર્યાવરણ દિવસ છે. પણ એ તો ઘરની બહાર ને…!!. મેં તો ઘરની અંદરનું પર્યાવરણ બતાવ્યું. અમને અંકલેશ્વરવાસીઓને આ પર્યાવરણના નામે ચાલતા ગોરખધંધા કે વેવલાવેડાથી હવે વધુ છેતરશો નહીં. બે-ચાર વૃક્ષો વાવવાના કે સેમિનારો કરવાના સરકારી કાર્યક્રમો રહેવા દો, બાપલાઓ. દરઅસલ, પર્યાવરણ બગાડનારા જ તેને સુધારવાની વાતો કરે છે, એ જ મોટી ભૂલ છે. ચોર જ પોલીસની ભૂમિકામાં છે. જે લોકો વગર લેવેદેવે પ્રદુષણનો માર ઝેલે છે તેમણે આગળ આવીને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવો જોઈએ. તંત્રને કહેવું જોઈએ, કે અમને આવું વાતાવરણ ખપે!.. પ્રવર્તમાન નહીં!!.. આપણે ત્યાં ઉલટું છે. સૌથી વધુ પ્રદુષિત કમ્પનીની જ મોટી મોટી વાતો, જાહેરાતો, તાયફા, દેખાડા અને ચિંતા જોવા મળે છે.

મારા અંકલેશ્વરના ભૂગર્ભ જળ, હવા, નર્મદા, નદી – નાળા, બધુ પ્રદુષિત કરવાવાળા, આજે મારા જેવા સામાન્ય નગરજનને વિશ્વ પર્યાવરણ દિન ની શુભેચ્છાઓ પાઠવે છે, જે અમે મોટા મને સ્વીકારતા આવ્યા છીએ. આજે નહીં તો કાલે મારું ગામ, મારું પર્યાવરણ, સુધરશે, એવી આશા કાયમ છે.

ચાલો, હાશ,… લાઈટો આવી ગઈ. ભગવાન સૌને સદબુદ્ધિ આપે. ખાસ કરીને, પેલા નાલાયક ઉદ્યોગપતિઓને, જેઓ પર્યાવરણ બગાડે છે. આપણે પ્રભુ પ્રાર્થના સિવાય બીજું કરી પણ શું શકીએ ?? રાજકારણીઓની ઓથે, ભાગીદારીમાં જ ફેક્ટરીઓ ધુમાડા ઓકતી હોય ત્યારે આપણું ગજુ કેટલું?

” અત્તા માંઝી સટકલી “…. એ મિજાજ, એ ખુમારી અમે અંકલેશ્વરવાસીઓએ ગુમાવી દીધી છે. પ્રદુષણે અમને અંદરથી પણ ખોખલા કરી દીધા છે. જવાબ માંગવો તૉ દૂર…. હવે તૉ સવાલ પણ પૂછતાં ફાટે છે. હાથથી પુઠ્ઠા વિંઝીને થાકીશું પછી હલ્લાબોલ કરીશું. આપ સૌ અંકલેશ્વરવાસીઓને આજના દિવસની શુભકામના… આપણી સહનશક્તિની વિશ્વ પણ અચૂક નોંધ લેશે. જોજો. બોરમાંથી લાલ પાણી કાઢવાનો જાદૂ કાયમ જોતા રહીશું, મચ્છર મારતા રહીશુ, અવનવી સુગંધ લેતા રહીશુ, અને…. જવાદો.🙏

અને છેલ્લે…. એક ફોન આવ્યો. કાકા, ઇન્વર્ટર કેમ નથી લગાડી લેતા. તમારો પ્રોબ્લેમ સોલ્વ. કેટલું સરળ સમાધાન!!…આ જ તો સમસ્યાનું મૂળ છે. અંકલેશ્વર છોડીને બીજે રહેવા જતો રહું તેથી શું પર્યાવરણ સુધરી જશે ?? બસ, બધાને ભ્રષ્ટ કરીને આગળ નીકળી જવાને જ વિકાસ કહેવો છે ?? માન્યા, અમે મચ્છર મારવામાંથી ઊંચા નથી આવતા, પણ કોઈક દિવસ છટકી તો……???


Share

Related posts

વાંકલ : સુરત જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે જગદીશભાઈ હળપતિ (બારડોલી) ની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી

ProudOfGujarat

ભરૂચ : મનાડ ગામનાં બસ સ્ટેન્ડ પાસે બે ઇસમોએ પરિણીત યુવતીને બિભસ્ત શબ્દો બોલી મારામારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!