ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી ઔધોગિક એકમોમાં આગ લાગવાના બનાવો સતત સામે આવી રહ્યા છે, અંકલેશ્વર પંથકમાં આગ લાગવાની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ કહેવાય રહ્યું છે, તેવામાં આજે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એસીયન્ટ પેઇન્ટ ચોકડી પાસે આવેલ નિરંજન લેબોરેટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાદળોમાં ધૂમડાના ગોટેગોટા નજરે પડ્યા હતા, જોકે ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ તાત્કાલિક લાયબંબાઓ સાથે સ્થળ પર પહોંચી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
હાલ લેબોરેટરીમાં આગ ક્યા કારણોસર લાગી છે તે બાબત સ્પષ્ટ થઈ શકી નથી જોકે ભીષણ આગના પગલે મોટી નુકશાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, બીજી તરફ આગની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.