અંકલેશ્વરના અમન માર્કેટમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કાળા ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતાં હતાં. DPMCના લાશ્કરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 ને અડીને અમન માર્કેટ આવેલું છે. જેમાં અનેક વખતે આગ લાગવાના બનાવો બનતા રહે છે. જેમાં ગત સાંજે એક ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આગના કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આગના કાળા ભમ્મર ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતાં. બનાવની જાણ DPMC ના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા. ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાની જહેમત ઉઠાવી હતી. જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભંગારના ગોડાઉનના સંચાલકો કેમિકલ વેસ્ટવાળો સામાન લેતા હોવાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોવાની લોક ચર્ચાઓ ઉઠી છે.