ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની ઋતુ દરમ્યાન આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં અનેક સ્થળે અત્યાર સુધી આગ લાગવાની નાની મોટી ઘટનાઓ સામે આવી ચુકી છે, ખાસ કરી અંકલેશ્વર પંથકમાં અગ્નિ તાંડવના દ્રશ્યો વધુ એકવાર આજે બપોરે સામે આવ્યા છે.
અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 ઉપર આવેલ નોબલ માર્કેટ પાસેના રીગલ માર્કેટ ખાતે એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ ભભુકી ઉઠતા ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા, જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડતા લોકોના જીવ ટાળવે ચોંટ્યા હતા, અચાનક ફાટી નીકળેલ આગની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ના ફાયર વિભાગમાં કરવામાં આવી હતી, જે બાદ ત્રણથી વધુ લાયબંબા સાથે ફાયરના જવાનો તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચ્યા હતા.
અગ્નિ તાંડવ વચ્ચે રહેલા પ્લાસ્ટિકના ગોડાઉન ઉપર ફાયરના કર્મીઓએ પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં કાબુ માં લીધી હતી, જોકે સમગ્ર ઘટના ક્રમમાં સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થવા પામી ન હતી, હાલ આગ ક્યાં કારણસર લાગી હતી તે બાબત સ્પષ્ટ થઈ ન હતી, પરંતુ અવારનવાર અંકલેશ્વરના નોબલ માર્કેટ, અંસાર માર્કેટ અને હવે રીગલ માર્કેટમાં લાગતી આ પ્રકારની ભીષણ આગ અંગેની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે.