અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસેથી પસાર થતી ખાડીઓ અને કુદરતી કાશોની પ્રી-મોન્સુન કામગીરી હજુ સુધી થયેલ નથી પ્રી- મોન્સુનની કામગીરી માર્ચ-એપ્રિલથી થવી જોઈએ આપણે ત્યાં વરસાદની શરૂઆત થાય ત્યારે પ્રી-મોન્સુન કામગીરીની શરૂઆત થાય છે. એક વખત વરસાદ પડ્યા પછી એ કામગીરી શક્ય નથી અથવા નિરર્થક છે. ગત વર્ષે ચાર-પાંચ વખત ખાડીઓ ઓવરફલો થઈ હતી જેના લીધે પીરામણ ગામ, અંકલેશ્વર શહેર અને તાલુકામાં મોટી નુકશાની થઈ હતી લોકોના ઘરોમાં પાણી આવ્યા હતા રસ્તાઓ બંધ થવાથી પ્રજાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને આ વખતે સમયસર પ્રી-મોન્સુન કામગીરીના થવાથી મોટી સમસ્યા સર્જાશે એવા ભય વ્યક્ત કરતો આવેદન સ્થાનિક સામાજિક સંસ્થા દ્વારા એડીશનલ ચીફ સેક્રેટરી સાહેબ, કલેકટર સાહેબ અને નાયબ કલેકટર સાહેબને આપવામાં આવ્યું છે.
આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ વખતે આમલાખાડી પર રેલ્વે કોરીડોર, એક્ષ્પ્રેસ વે અને ભાડભૂત બેરેજ યોજના જેવા અનેક પ્રોજેક્ટોની ચાલુ કાર્યવાહીના કારણે અનેક નવા-નવા અવરોધો ઉભા કરવામાં આવેલ છે. જો તાત્કાલીક આ અવરોધો દુર કરવામાં ના આવે અને આમલાખાડીની વ્યવસ્થિત, સમયસર કામગીરી ના થાય તો આ વખતે ભૂતકાળ કરતા મોટું નુકશાન થઈ શકે એમ છે. ગત વર્ષે આમલાખાડીની સફાઈ કામ બાબતે જે કાર્યવાહી થઈ હતી તે સંતોષકારક ના હતી ફક્ત પેપર પર (મોબાઈલ ફોટા માં) કાર્યવાહી બતાવેલ હોવાના આક્ષેપો થયા હતા.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં નાયબ કલેકટર સાહેબ ભગોરા સાહેબની અધ્યક્ષતામાં દરેક સલંગ્ન વિભાગોના અધિકારીઓ સરપંચોની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું અને આમલાખાડીને ઊંડી,પહોળી અને પાકી કરવાનું નક્કી કરવામાં આવેલ હતું જોકે વર્ષો પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આપણી પરંપરા મુજબ જયારે આફત આવે છે ત્યારે જ દરેક વિભાગો હરકતમાં આવે છે પરંતુ ત્યારે મોડું થઈ જવાથી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ શકાતી નથી“ આગ લાગે ત્યારે કુવો ખોદવો” એના કરતા આગોતરું આયોજન થાય એ જરૂરી છે.