ભરૂચ જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃતિઓને અંકુશમાં લાવવા માટે તેમજ ગુનેગારોમાં કાયદાનો ખૌફ બની રહે માટે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકોના કર્મીઓ નશાનો વેપલો કરતા તત્વો સામે સતત તવાઈ બોલાવી રહ્યા છે, પોલીસ વિભાગે અત્યાર સુધી લાખોની માત્રાનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડી અનેક નામાંકિત બુટલેગરોને જેલના સળીયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એકવાર અંકલેશ્વરમાંથી એક બુટલેગરના મકાનમાં પોલીસે દરોડા પાડી હજારોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટના સાતમાં માળે રહેતા તલહા ઉર્ફે બાબુ કોર્ટર મુઝમ્મીલ શેખના મકાનમાં દરોડા પાડયા હતા. પોલીસની તલાસી દરમ્યાન મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની નાની મોટી બોટલો સહિત બિયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે મકાનમાંથી વેચાણ કરવાના ઇરાદે રાખેલ કુલ 6800 નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ બુટલેગર તલહા ઉર્ફે બાબુ કોર્ટર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.