ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરને તોડી તેમાંથી ઓઇલ તેમજ કોપરની ચોરી કરી લાખોની માલ મત્તા ઉપર અજાણ્યા તસ્કરો એ નુકશાન પહોંચાડતા દક્ષિણ ગુજરાત વીજ કંપની સહિત પોલીસને પણ તસ્કરો એ દોડતી કરી મૂકી છે, છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં અત્યાર સુધી 7 લાખ ઉપરાંતનું નુકશાન તસ્કરો એ વીજ કંપનીને પહોચાડયુ છે.
ખાસ કરી અંકલેશ્વરના જુના દિવા, જૂની દીવી, જુના બોરભાઠા બેટ, આંબોલી તેમજ પીરામણ ગામની સીમમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી તેને તોડી ચોરીની ઘટનાને અંજામ આપી લાખોનું નુકશાન પહોચાડયુ હોવાનું અંકલેશ્વર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓએ શહેર પોલીસ મથકે આપેલ ફરિયાદમાં જણાવ્યું છે.
અત્રે ઉલ્લખનીય છે કે વીજ ટ્રાન્સફોર્મરમાં ચોરીઓની આ પહેલી વખત ઘટનાઓ નથી આ અગાઉ પણ અનેક સ્થળે વીજ ટ્રાન્સફોર્મરમાં ચોરીની ઘટનાઓ સામે આવી ચુકી છે તો કેટલાક બનાવોમાં પોલીસે તસ્કરોને ઝડપી પણ પાડયા હતા, જે બાદ વધુ એકવાર વીજ ટ્રાન્સફોર્મરમાં ચોરીઓની ઘટનાઓ સામે આવતા પોલીસ દોડતી થઈ છે, તેમજ અજાણ્યા તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથધરી છે.