ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેની વાલિયા ચોકડી વિસ્તારમાં આવેલ મંદિરની દેરી પાસેની ખુલ્લી જગ્યામાં ગત તારીખ 23 ના રોજ એક ઈસમની હત્યા કરેલ અવસ્થામાં લાશ મળી આવતા ભારે ચકચાર મચ્યો હતો. ઘટના બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે હત્યા અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી, જે બાદ મામલાની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્ટ અને ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી દરમ્યાન હવામહેલ રોડ વિસ્તારનાં સીસીટીવી કેમેરાઓની ચકાસણી કરવામાં આવી હતી જેમાં મૃતક જયંતીલાલ રમણભાઈ તડવી 23 તારીખના છેલ્લે હવામહેલ રોડ પરથી બે ઈસમો સાથે જતા નજરે પડ્યા હતા, ત્યારબાદ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં રાહદારીઓ સહિતના લોકોને ફોટો બતાવતા એક ઈસમની ઓળખ ભરત લક્ષ્મણભાઇ ગોઝારિયા તેમજ અન્ય એક ઈસમ રાજુ લગડા હોવાનું માલુમ પડ્યું હતું.
ક્રાઇમ બ્રાંચની તપાસમાં ભરત લક્ષ્મણભાઇ ગોઝારીયા વાલિયા ચોકડી વિસ્તારમાં ડ્રેનેજ પંપ નજીકની ઝૂંપડપટ્ટી પાસેથી મળી આવ્યો હતો જેને પકડી લઈ તેની પૂછપરછ કરતા તે અને તેના મિત્રએ મળી જયંતીભાઈ તડવી રહે નંદૂર બાર મહારાષ્ટ્ર નાઓની સાથે ઝઘડો થતા પથ્થર મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી જે બાદ ક્રાઇમ બ્રાંચે ભરતની ધરપકડ કરી મામલે રાજુ લગડા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.