અંકલેશ્વર નગરપાલિકાએ 5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલાં લેકવ્યૂ પાર્કનું લોકાર્પણ કર્યું છે પણ પાર્કિંગ બનાવવાનું જ ભૂલી જતાં પહેલાં જ દિવસે ભારે અરાજકતા જોવા મળી હતી. હજારો લોકો બગીચો જોવા માટે ઉમટી પડતાં પાર્કિંગની સમસ્યા ઉભી થઇ હતી.
અંકલેશ્વરમાં રવિવારના રોજ અંકલેશ્વર લેકવ્યુ પાર્કનું ઉદઘાટન કરવામાં તો આવ્યું પરંતુ અનેક છીંડા જોવા મળી રહ્યા છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિક જામની સમસ્યા અને મુખ્ય પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર અંકલેશ્વર જૂની જ્યોતિ ટોકીઝની સામે બનાવવામાં આવ્યું છે. જ્યાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી જેને લઇ ઉદ્દધાટનના પ્રથમ દિવસે જ પાર્કિગ અને ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. 10 થી 15 હજાર લોકો ઉમટી પડતા અરાજકતા ફેલાય હતી. શેલાડવાડથી જવાહર બાગ સુધી ટુ વ્હીલર, ફોર વ્હીલર, અને રિક્ષા સહીત વાહનો ખડકલો થઇ જવા પામ્યો હતો. વાહનચાલકોએ આડેધડ રીતે વાહનો પાર્ક કરી દેતાં સ્થાનિકોની હાલત કફોડી બની હતી. અંકલેશ્વર શહેરમાં લેકવ્યૂ પાર્ક એ પહેલાં જ દિવસથી લોકોમાં ભારે આર્કષણ જમાવ્યું છે. 10 હજારથી વધારે લોકો ગાર્ડન જોવા માટે આવ્યાં હતાં જેના કારણે પાર્કિંગની મોટી સમસ્યા ઉભી થઇ હતી. લોકો ગમે ત્યાં તેમના વાહનો પાર્ક કરીને બગીચામાં ચાલ્યાં ગયાં હતાં અને મુખ્ય માર્ગ ઉપર જ ટ્રાફિકજામના પણ દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
અંકલેશ્વરમાં પાલિકાએ 5 કરોડના ખર્ચે બાગ બનાવ્યો પણ પાર્કિંગ જ ના બનાવ્યું
Advertisement