ભરૂચ જિલ્લામાં ચાલુ માસ દરમ્યાન જ આગ લાગવાના ઉપરા છાપરી અનેક બનાવો સામે આવી ચુક્યા છે. ફેક્ટરીઓથી લઈ ગોડાઉનો અને વાહનોમાં આગ લાગવાના બનાવો સતત બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, તેવામાં વધુ એક વાહનમાં આગ લાગવાની ઘટના આજે સવારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી સામે આવી હતી, જેમાં રસ્તા બાજુમાં ઉભેલ હાઇવા આગની જવાળાઓ વચ્ચે નજરે પડ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ડીટોક્સ કંપની પાસે આજે સવારના સમયે રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવેલ હાઇવા ગાડી નીચેના ભાગેથી અચાનક ધુમાડા નીકળવા લાગતા આસપાસ ઉપસ્થિત લોકોમાં એક સમયે નાશભાગ મચી હતી, જોતજોતામાં થોડા સમય માટે આગની જવાળાઓના ભડકા હાઇવા ગાડીમાં જોવા મળ્યા હતા, જે બાદ ઘટના અંગેની જાણ ઉપસ્થિત લોકો દ્વારા ફાયર વિભાગમાં કરવામાં આવી હતી.
આગની જવાળાઓ વચ્ચે સળગી રહેલ હાઇવા ટ્રક પર ઘટના સ્થળે લાયબંબા સાથે દોડી આવેલ કર્મીઓએ પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી. હાઇવા ટ્રકમાં આ આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ શકી નથી, જોકે ટ્રકમાં કેમિકલનો પ્રવાહ પણ ભરેલ હોવાનું પ્રાથમિક અનુમાન સ્થળ ઉપર ઉપસ્થિત લોકોએ લગાવ્યું હતું, ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ પણ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.