ભરૂચ જિલ્લામાં આવેલ ઔધોગિક એકમો તેમજ ગોડાઉનોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ખાસ કરી જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગવાના બનાવો ચાલુ વર્ષે સતત એક બાદ એક સામે આવી ચુક્યા છે, તેવામાં વધુ એકવાર પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા આસપાસ ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી હતી.
પાનોલી જીઆઈડીસી માં પ્લાસ્ટિકનું સગ્રહ કરતા ગોડાઉનમાં સવારના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી, જોતજોતામાં આગની જવાળાઓ વચ્ચે ગોડાઉનમાંથી ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા એક સમયે આસપાસ ઉપસ્થિત લોકોના જીવ ટાળવે ચોંટ્યા હતા, ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડી પી એમ સી ફાયર તેમજ પાનોલી ફાયરમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓ એ સ્થળ પર લાયબંબા સાથે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લેવાઈ હતી.
પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલ ભીષણ આગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી, જોકે આગના પગલે ગોડાઉનમાં મોટુ નુકશાન થયું હોવાનું કહેવાય રહ્યું છે. હાલ આ આગ કયા કારણોસર લાગી તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ ન હતી તેમજ આગ લાગવાના કારણો ગોડાઉન સંચાલકો દ્વારા શોધવાના પ્રયાસ ઘટના બાદથી કરવામાં આવ્યા હતા.