અંકલેશ્વર શ્રવણ વિદ્યાભવન ખાતે ચલો આજ કુછ નયા શીખે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ જ્ઞાન સાથે ગમ્મત મેળવે, તેમાંથી નવું-નવું શીખે અને તેમનામાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય તેમજ મિત્રો સાથે સુહૃદ ભાવથી રહેતા શીખે તેવા હેતુસર શાળામાં પૂર્વપ્રાથમિક વિભાગમાં તારીખ ૫/૩/૨૩ ના રવિવારે ચલો આજ કુછ નયા શીખેનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યા દિપિકાબેન મોદી દ્વારા આ એક દિવસીય કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રમુખ કિશોરભાઈ સુરતીએ પણ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોનું સ્વાગત તિલક કરી કર્યું હતું. બાળકોએ ઘંટ વગાડી ઉત્સાહપૂર્વક કેમ્પમાં પ્રવેશ કર્યો હતો.
બાળકોને બ્રેડ જામ, પુરી-શાક, ગુલાબજાંબુ આપવામાં આવ્યા હતા. કેમ્પમાં મેડમ દ્વારા રસપ્રદ વાર્તા કરવામાં આવી હતી, બાળકોએ નાટક, ક્રાફટ વર્ક, છાપકામ, મનપસંદ સર્જનાત્મક પ્રવૃત્તિ, શેરીની રમત, ફિલ્મ, ગરબા, ડિસ્કો ડાન્સનો આનંદ માણ્યો હતો. સર્વે બાળકોને આ કેમ્પમાં ખૂબ જ મજા આવી. સાંજે બાળકોએ પ્રિય પાણીપુરી ખાધી હતી. બાળકોને હોળી નિમિત્તે પીચકારી, ચણા, ખજુર, ગુલાલ ગીફ્ટ આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પ્રાથમિક, માધ્યમિક વિભાગનાં શિક્ષકોનો પણ સાથ સહકાર મળ્યો હતો. કેમ્પમાં પોતાના બાળકોનો મોટી સંખ્યામાં ભાગ લેવડાવવા બદલ વાલી મિત્રોનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.