ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથક ખાતે છાશવારે ઔધોગિક એકમો હોય કે ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ગત વર્ષે અને ચાલુ વર્ષે પણ અનેક સ્થળે આગ લાગવાના બનાવો બની ચુક્યા છે, તેવામાં વધુ એક બનાવ ગત રાત્રીના સમયે અંકલેશ્વર ખાતે બનવા પામ્યો હતો.
અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 ને અડીને આવેલ નોબલ માર્કેટ પાસેના એક ભંગારના ગોડાઉનમાં ગત રાત્રીના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી, આગની જવાળાઓના ગોટેગોટા ઉપસી આવ્યા હતા જે બાદ થોડા સમય માટે હાઇવે ઉપર પણ ટ્રાફિકની સ્થિતિનું સર્જન થયું હતું, ઘટનાના પગલે સ્થાનિકોના ટોળા જામ્યા હતા.
નોબલ માર્કેટ ખાતે ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા હોવાની જાણ અંકલેશ્વર ડી.પી.એમ.સી ના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના જવાનો લાયબંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગની જવાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના નેશનલ હાઇવે વિસ્તારને અડીને આવેલા અન્સાર માર્કેટ, નોબલ માર્કેટ જેવા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અનેક ગોડાઉનો ધમધમી રહ્યા છે જ્યાં છાશવારે આ પ્રકારે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે તો કેટલાક ગોડાઉનોમાં તો કેમિકલ યુક્ત પદાર્થ હોવાના કારણે પણ આગ વધુ પ્રસરતી હોય છે તેવામાં તંત્ર દ્વારા પણ આ અંગે તપાસ કરવાની તાતી જરૂર જણાય છે.