યુવાનોમાં માનસિક આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા માટે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને કાકા-બા હોસ્પિટલ દ્વારા માં શારદા ભવન ઓડિટોરિયમ, અંકલેશ્વર ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે માન, અધિક કલેકટર, ભરૂચ હાજર રહ્યા હતા.
આ સેમિનારમાં બ્રહ્મકુમારી, હરે ક્રિષ્ના મુવમેન્ટ ઈન્ડિયા, સ્કાર્ફ ઈન્ડિયા (ચેન્નઈ), અને યૂથ નેશન સંસ્થાના પ્રતિનીધી તથા સુરત અને વડોદરાના જાણીતા મનોચિકિત્સકો અને કાકા બા હોસ્પિટલના ટ્રસ્ટી ડૉ.ભરત ચાંપનેરીયા તથા કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાંથી ચિરાગભાઈ મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સેમિનારની શરૂઆત કરવાં આવી હતી. ડૉ.ભરત ચાંપાનેરીયા દ્વારા સેમિનારમાં હાજર તમામ વક્તાઓ અને શ્રોતાઓનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે “સારું માનસિક આરોગ્ય સ્વસ્થ જીવન માટે ખુબ જરૂરી છે”, મુખ્ય અતિથિ નરેન્દ્રકુમાર ધાંધલ, માન.અધિક કલેકટર, ભરૂચ દ્વારા આ સેમિનારનું આયોજન કરવા બદલ કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને કાકા-બા હોસ્પિટલની પ્રસંશા કરી હતી.
આ સેમિનારના હેતુને અનુલક્ષીને પ્રેક્ષકોને યુવા અવસ્થામાં માનસિક આરોગ્ય, આત્મહત્યા, વ્યસન જેવા વિષયો બાબતે જાગૃતિ લાવીને તેમને એક સ્વસ્થ અને જવાબદાર નાગરિક તરીકે દેશના વિકાસમાં સહભાગી કરવા સેમિનારમાં હાજર નિષ્ણાત વક્તાઓ દ્વારા જૂથ-ચર્ચાના માધ્યમથી સેમિનારમાં હાજર રહેલા ૫૦૦ જેટલા યુવાનો અને યુવતીઓને જાગૃત કરવાં આવ્યા હતા. સેમિનારમાં લોકપ્રિય જાદુગર મંગળ અને ભવાઇ કાર્યક્રમના માધ્યમથી તથા શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરના વિધ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ નાટ્ય, કૃતિ રજૂ કરીને હાજર રહેલા યુવા પ્રેક્ષકોનો જુસ્સો વધાર્યો હતો.