અંકલેશ્વર શ્રવણ વિદ્યાભવન ખાતે તારીખ ૨૫/૦૨/૨૩ ને શનિવારના રોજ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી. બાળકના જીવનમાં અભ્યાસની સાથે રમતનું પણ વિશેષ મહત્વ હોય છે. દરેક બાળક સાથે રમત બાળપણથી જોડાયેલી હોય છે. બાળકોમાં રમત કૌશલ્યોનો વિકાસ તેમજ ખેલદિલીની ભાવના વિકસે તે હેતુસર શ્રવણ વિદ્યાભવનના આંગણમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. શાળામાં રમતોત્સવના મુખ્ય મહેમાન તરીકે વિનય જે. પટેલ( ભરૂચ જિલ્લા રમતગમત કન્વીનર) તેમજ અતિથિ વિશેષ તરીકે રવિકુમાર ટી. ગોહિલ (પ્રમુખ ભરૂચ જિલ્લા યોગ એસોસિયેશન) પધાર્યા હતા.
તેઓએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધી હંમેશા પ્રગતિ કરતા રહે અને આ જ રીતે પોતાનો ઉત્સાહ દર્શાવે તેવા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી તેમજ મંત્રી કિરણભાઈ મોદી તેમજ શાળાના આચાર્યા દિપીકાબેન મોદીએ રમતવીરોના ઉત્સાહને વધાવી રમતગમત ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા આપી અને અભિનંદન પાઠવ્યા. આ સાથે શાળાના પી.ઈ શિક્ષક યોગેન્દ્રસિંહ ખરચીયા અને કલ્પનાબેન પટેલે વિદ્યાર્થીઓને વિવિધ રસપ્રદ રમતો રમાડી રમતોત્સવને સફળ બનાવ્યો.