પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ખાતે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયા વિસ્તારમાંથી થોડા દિવસો અગાઉ રાત્રીના અંધારામાં મકાનની બાજુમાં આવેલ બંધ ઓરડામાં લોખંડની ગ્રીલ કાપી કોઈ સાધન વડે તાળું તોડી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા નાના-મોટા બકરા ઓની ચોરી કરાઈ હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી.
પોલીસ ફરિયાદ બાદ પોલીસની ટીમે મામલે સીસીટીવી સર્વેલન્સ આધારે તપાસ શરૂ કરી હતી જેમાં ચોરીને અંજામ આપી ગ્રે કલરની બ્રેજા ગાડી જતી હોવાનું નજરે પડતા પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ગાડીની તપાસ કરતા ગાડી અમદાવાદના વટવા ખાતે રહેતા પપુભાઈ ગુલાબભાઈ ચુનારાની હોવાનું માલુમ પડ્યું હતું.
અંકલેશ્વર પોલીસ દ્વારા ત્યારબાદ અમદાવાદ ખાતે સ્થાનિક પોલીસની મદદ લઈ ગાડીના માલિકને વટવા પોલીસ મથકે લાવી સધન પુછપરછ કરતા તેઓએ બકરા ચોરી અંગેની કબૂલાત કરી હતી જે બાદ મામલે પોલીસે ગાડીના માલિક પપુભાઈ ગુલાબભાઈ ચુનારા રહે, ગણેશ પાર્ક સોસાયટી, વટવા અમદાવાદ તેમજ દિપક કુમાર રાજકુમાર ભાઈ પટેલ રહે, ગણેશ પાર્ક સોસાયટી, વટવા અમદાવાદ નાઓની ધરપકડ કરી મામલે ઈરફાન ઉર્ફે કાબરા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.