ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથક આવેલ બાકરોલ -કાપોદ્રા ગામની સીમમાં આવેલ ખાડીમાં છેલ્લા કેટલાક દિવસોથી મગર દેખા દેતા હોવાની સતત ઘટનાઓ સામે આવી રહી છે, તેવામાં વધુ એક વાર મગરે દેખા દેતા સ્થાનિક લોકોમાં ફાફડાટનો માહોલ છવાયો છે. ખાડીના પાણીમાં સતત મગરનાં વસવાટના કારણે સ્થાનિક લોકોમાં ભય છવાયો છે.
બાકરોલ – કાપોદ્રા ગામની સીમમાં આવેલ ખાડીમાં બિન્દાસ અંદાજમાં લટાર મારતા મગરનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પાણીમાં મગર દેખાતો હોય સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે, જે બાદ સ્થાનિકોએ વન વિભાગ દ્વારા આ સ્થળે પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગ કરી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ખાડીમાં અનેક પશુઓ પાણી પિવા માટે તેમજ સ્થાનિક બાળકો પણ અવરજ્વર કરતા હોય છે તેવામાં કોઈ અનિછનીય ઘટના કે જાનહાની ન થાય માટે તંત્ર દ્વારા વહેલી તકે ખાડીમાં રહેલ મગરને પકડી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.