ભરૂચ જિલ્લામાં ચાલુ માસ દરમ્યાન દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી સામે કડકાઈ સાથે લાલઆંખ કરી છે. જિલ્લાના હાંસોટ, જંબુસર પંથક બાદ હવે અંકલેશ્વર પંથકમાં વીજ ચોરી કરતા લોકો સામે ડી.જી.વી.સી.એલ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. આજે વીજ કંપનીની વિવિધ ટિમો એ અંકલેશ્વર ખાતેના અલગ -અલગ વિસ્તારોને ધમરોણી નાખ્યું હતું.
આજરોજ વહેલી સવારથી અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જીઈબી વિભાગની અલગ અલગ ટિમો બનાવી વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, વહેલી સવારથી અનેક વીજ મિટરોનું ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરીને અંજામ આપતાં લોકોના પરસેવા છૂટ્યા હતા.
વહેલી સવારથી બપોર સુધી અંકલેશ્વર વિસ્તારના અલગ અલગ સોસાયટી મહોલ્લાઓમાં જી.ઈ.બી. ના કર્મીઓએ ફરી અનેક મિટરોની તપાસણી કરી હતી, જોકે આ લખાય છે ત્યાં સુધી કેટલા વીજ મિટરોમાં ગેરરીતિ સામે આવી છે કે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે તે બાબત સત્તાવાર રીતે સામે આવી નથી. જોકે કેટલાક વિસ્તારોમાં વીજ મિટરોમાં ગેરરીતિ થઈ હોય જીઈબી ના દરોડામાં વીજ ચોરો ઝડપાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.