ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથક ખાતે આવેલ જીઆઈડીસી વિસ્તારના ઉધોગોમાં છાશવારે અગ્નિનું તાંડવ જોવા મળતું હોય છે, વર્ષ 2022 થી લઈ ચાલુ વર્ષે પણ આગ લાગવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છૅ, તેવામાં વધુ એક ઘટના ગત મોડી રાત્રીના સમયે સામે આવતા ભારે દોડધામ મચી હતી.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અથર્વ એન્ટરપ્રાઈઝમાં રાત્રીના સમયે અચાનક ભીષણ આગ લાગવાની ઘટનાના પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ સહિત આસપાસ ઉપસ્થિત લોકોમા ભારે નાશભાગ સર્જાઈ હતી, આગના ધુમાડાના ગોટેગોટા રાજપીપલા ચોકડી સહિત દૂર દૂરના વિસ્તારોમાં નજરે પડ્યા હતા. આગના પગલે કંપનીમાં રહેલ સોલ્વન્ટ ડિસ્ટીલેશન્સના ડ્રમ એક એક કરીને હવામાં ઉડતા નજરે પડ્યા હતા.
ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી તથા પાનોલી અને ઝઘડિયા ફાયર વિભાગમાં કરવામાં આવતા સાતથી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા, તેમજ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા, જોકે ભારે જહેમત બાદ આગ પર ફાયરના જવાનોએ કાબુ મેળવવા માં સફળતા હાંસિલ કરી હતી.
કંપનીમાં લાગેલ આગમાં કંપની પ્લાન્ટમાં મોટી નુકશાનીની આશંકા સેવાઈ રહી છે, જોકે અગ્નિ તાંડવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી, જેને પગલે ઉપસ્થિત કર્મચારીઓ સહિત તંત્ર એ પણ રાહત અનુભવી હતી.