અંકલેશ્વર GIDC પોલીસે લાયકા ચોકસી ઉપર આવેલી જીત ટ્રાન્સપોર્ટ ઓફિસની આગળ પાર્કિંગમાં ઉભેલી ચાર ગાડીઓમાંથી પાંચ બેટરીની ચોરી કરનારા ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરીની બેટરી રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર GIDC માં લાયકા ચોકડી પાસે જીત લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટની ઓફીસ આવેલી છે. જેમાં 30મી જાન્યુઆરીથી 31 મી જાન્યુઆરી સુધીના સમયમાં ટ્રાન્સપોર્ટની ઓફિસની બહાર ચાર ગાડીઓ પાર્ક કરેલી હતી. સમય અને તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ત્રાટકી એક ટેન્કરમાંથી એક્સાઇડની બે બેટરીઓ કિંમત રૂ. 18,000, આઇસર ટેમ્પામાંથી એક એક્સાઇડની બેટરી કિં રૂ. 8,500, બીજા એક આઇસર ટેમ્પોમાંથી એક એમરોન બેટરી કિં. રૂ. 6,500 અને ત્રીજા આઇસર ટેમ્પોમાંથી પણ એક એમરોન બેટરી કિંમત રૂ. 6,500 મળીને કુલ 39,500ની પાંચ બેટરીઓ ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતાં.
આ મામલે જીઆઇડીસી પોલીસ મથકના પીઆઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે બેટરીઓની ચોરીઓ કરનારા ૩ તસ્કરો શાહબુદીન શબીર દિવાન, સુખદેવ જયંતી વસાવા અને સતીષ આનંદા પરમેશ્વરને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરી થયેલી બેટરીઓ નંગ 5 પણ જમા લીધી હતી. આ ત્રણેય વિરુદ્ધ ચોરીની કલમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરાઈ છે.