ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઔધોગિક એકમોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, જીઆઇડીસી વિસ્તારમાં સર્જાતી ઘટનાઓના પગલે ફાયર વિભાગ સહિતના તંત્રમાં દોડધામ મચી જવા પામતી હોય છે, તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના આજે સવારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સામે આવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ETL ચોકડી નજીક સોલ્વન્ટના ગોડાઉનમાં એકા એક ભીષણ આગ ફાટી નીકળતા ભારે નાશભાગ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ સ્થળ પર અફરાતફરીનો માહોલ છવાયો હતો. ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડી.પી.એમ સી સહિતના ફાયર વિભાગમાં કરવામાં આવતા ત્રણથી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા.
ધુમાડાના ગોટેગોટા વચ્ચે રહેલ વિકરાળ આગ ઉપર ફાયરના કર્મીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગોડાઉનમાં સોલ્વન્ટ ભરેલ ડ્રમોમાં ફાટી નીકળેલ આગને ઓલવવા માટે ફાયરના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી, હાલ આ આગ કયા કારણોસર લાગી છે તે અંગે સ્પષ્ટતા થઇ નથી, જોકે ગોડાઉનમાં આગને પગલે મોટી નુકશાની થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હારુન પટેલ : ભરુચ