અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે સંકુલ કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 121 સ્કૂલોના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લઇ 198 કૃતિઓ પ્રદર્શનમાં રજુ કરી હતી.
જી સી ઇ આર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને ચાણક્ય વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા અને ગણિતિક સુષુપ્ત શક્તિઓ અને સર્જનશીલતાને પ્રોત્સાહિત કરવા તેમજ વૈજ્ઞાનિક અભિગમ, આત્મવિશ્વાસ તથા કૌશલ્યોનો વિકાસ કરવા તેમજ વિદ્યાર્થીઓની અભિરુચિ વિજ્ઞાન તરફ જાગૃત બને, અને તેઓ નવા સંશોધનને સમજે અને વૈજ્ઞાનિક બનવાની વૃત્તિ બાળવિજ્ઞાનીમા જાગૃત થાય તે હેતુસર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંકુલ કક્ષાના પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 121 સ્કૂલોના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને 198 વિવિધ કક્ષાની કૃતિઓ રજુ કરી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગના એજયુકેશન ઇન્સ્પેકટર દિવ્યેશ પરમાર, નાયબ મામલતદાર શૈલેષ નિઝામા ચાણક્ય વિદ્યાલયના ચેરમેન મહેશ પટેલ સહીતના અધિકારીઓ અને શિક્ષકો સહીત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.