ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથક અવારનવાર પ્રદુષણના કારણે ચર્ચામાં આવતું હોય છે. આ વિસ્તારમાં જળ પ્રદુષણ અને વાયુ પ્રદુષણ જેવી બાબતો સામાન્ય બની છે. એક તરફ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મફલર અને સ્વેટર પહેરી કેટલાક શહેરોના લોકો વહેલી સવારની શુદ્ધ હવા લેવાના લ્હાવો લેવા માટે મોર્નિંગ વોક તેમજ ચાલવા નીકળતા હોય છે તો બીજી તરફ અંકલેશ્વર વાસીઓ માટે જાણે કે ઉલ્ટી ગંગા વહેતી હોય તેવી સ્થિતિનું સર્જન થતું જોવા મળ્યું છે.
ઔધોગિક એકમોથી ઘેરાયેલું અંકલેશ્વર પંથક આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અંકલેશ્વર પંથકમાં છેલ્લા ગત ત્રણ દિવસથી વાયુ પ્રદુષણની માત્રામાં ખૂબ વધારો થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ખાસ કરી AQI એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વાયુ પ્રદુષણની માત્રા ૩૧૩ ના આ આંકડા સાથે રેડ ઝોન ઉપર પહોંચતા પર્યાવરણ પ્રેમીઓએ મામલે ચિંતા વ્યક્ત કરી છે.
અંકલેશ્વર પંથકમાં હવાની ગુણવત્તા ખરાબ થઇ હોવાની બાબત સ્થાનિકો માટે પણ ચિંતા ઉપજાવે તેમ છે, કારણ કે આ પ્રકારના હવાની ગુણવત્તા હોય અને તેમાં પણ લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં અગવડતાઓ પડી શકે છે તેમજ અન્ય રોગો પણ થઇ શકે છે તેમ પર્યાવરણવાદીઓનું માનવું છે.
હાલ તો ઔધોગિક એકમો વચ્ચે વસેલું અંકલેશ્વર શહેરમાં આ પ્રકારે હવાની ગુણવત્તા અંગેની સ્થિતિનું સર્જન થયું છે જે બાદ સ્થાનિક જીપીસીબી સહિતના લાગતાં વળગતા તંત્રએ પણ મામલે મંથન કરવાની તાતી જરૂર જણાઈ રહી છે, તેમજ અંકલેશ્વર વાસીઓને આ પ્રકારની જોખમી સ્થિતિ વચ્ચેથી કઇ રીતે છુટકારો મળી શકે તે બાબતે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવી જરુરી જણાઈ છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744