અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સરદાર પટેલ સ્કૂલ ખાતે તાલુકા ચૂંટણી વિભાગ દ્વારા ઇકો ગ્રીન બુથ ઉભું કરવામાં આવ્યું છે. છાણનું લીપણ, ફૂલોની રંગોળી અને નાળિયેરીના પાનના ગેટ બનાવવામાં આવ્યા છે. આ બુથ ઉપર અંકલેશ્વર વનવિભાગ દ્વારા મતદારોને રોપા પણ આપવામાં આવશે.
અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર આવતી કાલે થનાર મતદાન અંગે તાલુકા ચૂંટણી વિભાગ દ્વારા અનોખું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. ભડકોદ્રા ગામની સરદાર પટેલ પ્રાથમિક શાળા ખાતે ઇકો ગ્રીન બુથ ઉભું કરવામાં આવ્યું છે. આ ગ્રીન બુથના પ્રવેશ દ્વાર પર છાણનું લીપણ પણ કરવામાં આવ્યું છે.
મતદાન અંગે આ ગ્રીન બુથ ઉપર ઈવીએમ મશીન અને વીવીપેટ સહીતની સામગ્રી સાથે આવેલ પોલીંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફનું ઢોલ, નગારા અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ગ્રીન બુથ ઉપર અંકલેશ્વર વન વિભાગ દ્વારા મતદાન કરવા આવેલ મતદારો છોડના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. રંગોળી અને નાળિયેરીના પાનના કમાન ગેટ બનાવવામાં આવ્યા છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના મુખ્ય ચૂંટણી અધિકારી નૈતિકાબેન પટેલ, નાયબ મામલતદાર કૃપાબેન પટેલ સહીતના અધિકારીઓએ બુથની મુલાકાત લીધી હતી.