પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ઉમરવાડા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી લોહી લુહાણ હાલતમાં અંકલેશ્વરના કાપોદ્રા મંદિર ફળિયા વિસ્તારમાં રહેતો જીગર વસાવા નામના યુવકનો મૃતદેહ મળી આવતા મામલે ભારે ચકચાર મચી હતી. જીગર વસાવાને ગળા તેમજ શરીરના અન્ય ભાગો ઉપર કોઇક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે, ગામના જ એક સ્થાનિકે મામલે જીગરના પરિવારને ગત સાંજે જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, જે બાદ ઘટના અંગેની જાણ પરિવારજનો દ્વારા પાનોલી પોલીસ મથકમાં કરવામાં આવી હતી.
પાનોલી પોલીસ મથકે ઘટના અંગેની જાણ થતાં જ પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતક જીગર વસાવાની લાશનો કબ્જો લઇ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી, સાથે જ મામલે પરિવારજનોના નિવેદન લઇ તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં મૃતક જીગર વસાવાના પરિવારજનોએ આડા સબંધની શંકામાં આ હત્યાને અંજામ અપાયો હોવાની શંકાઓ પોલીસ ફરિયાદમાં વ્યકત કરી છે.
જીગર વસાવાના પરિવારજનોનું જણાવવું છે કે કાપોદ્રા ગામ ખાતેના મંદિર ફળિયા વિસ્તારમાં તેઓના પાડોશમાં જ રહેતા રાકેશ ઝવેરભાઈ વસાવાની પત્ની ચંદા સાથે એકાદ વર્ષ પહેલાં જીગરનો પ્રેમ સંબંધ હતો જે બાબતની જાણ થતાં બંને પરિવારો વચ્ચે ઝઘડો થતા બાદમાં બંને પક્ષે સમાધાન થયું હતું, ત્યારબાદથી મૃતક જીગરને ચંદા સાથે કોઈ પ્રેમ સંબંધ ન હોવા છતાં તેને અવારનવાર શક રાખીને રાકેશ વસાવા તથા તેનો સાળો રાકેશ ઉર્ફે ટીનો વિનોદભાઈ વસાવા નાઓ જીગરને ગાળો બોલી તેમજ ફોન પર અવારનવાર ધમકીઓ આપતા હતા.
જે બાદ ગત તારીખ ૧૬/૧૦/૨૦૨૨ ના રોજ બપોરના સમયે મૃતક જીગર વસાવા ઉપર કોઈનો ફોન આવતા તે જોર જોરથી બોલવા લાગ્યો હતો અને હું થોડી વારમાં આવું છું કહી ઘરેથી બહાર ગયા બાદ આવ્યો ન હતો જે બાદ ગતરોજ બપોરના સમયે ગામમાં જ રહેતા હરીશભાઈ સુમેરભાઈ વસાવા નાઓએ જીગરના પરિવારજનોને જાણ કરી હતી કે તેઓનો પુત્ર જીગર ઇજાગ્રસ્ત હાલતમાં ઉમરવાડા નજીક ખેતરમાં મળી આવ્યો છે, જે ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ મામલે પાનોલી પોલીસને જાણ કરતા પોલીસે પરિવારની શંકાના આધારે રાકેશ ઝવેરભાઈ વસાવા રહે. કાપોદ્રા અંકલેશ્વર તેમજ રાકેશ ઉર્ફે ટોની વિનોદભાઇ વસાવા રહે.ભરાડિયા,વાલિયા નાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744