ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદી ઋતુ બાદ ઠેરઠેર માર્ગો ધોવાઇ જતા રસ્તાઓ બિસ્માર બન્યા હતા. ખરાબ માર્ગના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો, તેવામાં હવે જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જે તે સ્થળે બિસ્માર બનેલા માર્ગોનું રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરમાં પીરામણ ગામને જોડતા માર્ગ પર આજે સવારે તંત્ર દ્વારા રસ્તાના રિપરિંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે બાદ આખે આખા માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિનું સર્જન થયું હતું. પિક અવર્સમાં રસ્તાની કામગીરી સામે લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે તંત્રની આ પ્રકારની કામગીરીના કારણે અનેક નોકરિયાત વર્ગને મુશ્કેલીઓ ઉભી થઈ છે, સાથે જ ટ્રાફિકના કારણે સમય પણ વેડફાઈ રહ્યો છે.
પીરામણ રોડ પર કરવામાં આવતી કામગીરીના પગલે અનેક વાહનો ચક્કાજામમાં ફસાયા હતા. સાંકડા રસ્તાઓનું થતું રીપેરીંગ કાર્ય રાત્રી દરમિયાન જ્યારે અવરજવર ઓછી હોય તે સમયગાળા દરમિયાન તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744