ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં અસંખ્ય ઉધોગો આવેલા છે, જેમાં કેટલાક બેજવાબદાર અને પર્યાવરણ સાથે ચેડા કરતા ઉધોગોના કારણે અવારનવાર જળચર પ્રાણી અને પશુઓના મોત નિપજતા હોય છે, અંકલેશ્વર નજીક અમરાવતી ખાડી અને આમલાખાડીમાં અવારનવાર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાની બુમો પર્યાવરણ પ્રેમી લોકો કરતા હોય છે, તેમ છતાં આ પ્રકારના પર્યાવરણના દુશ્મનો હમ નહિ સુધરેગે જેવી નીતિ જ અપનાવી રહ્યા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી પસાર થતી અમરાવતી ખાડીમાં કેટલાક બે જવાબદાર ઉધોગો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, ખાડીના જળ કેમિકલ યુક્ત થતા જ પાણીમાં માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળી હતી જેને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ હતી, તો બીજી તરફ મૃત માછલીઓ લેવા માટે પણ કેટલાક લોકો ખાડીના કાંઠે નજરે પડ્યા હતા જે બાબત પણ જોખમ સમાન તંત્ર માટે બની શકે છે.
મહત્વની બાબત છે કે આ અગાઉ પણ કેટલાય સ્થળે ખાડીઓમાં માછલીઓના મોત થયા હતા, જે બાદ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓએ જીપીસીબી માં ફરિયાદો પણ કરવામાં આવી હતી જોકે તંત્રની ઢીલી નીતિના કારણે હજુ પણ કેટલાક બેજવાબદાર ઉધોગો ખાડીમાં બિન્દાસ અંદાજમાં કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે જેને પગલે માછલીઓના મોત નીપજી રહ્યા છે, ત્યારે તંત્રએ ચોક્કસ દિશામાં તપાસ કરી આ પ્રકારના બેજવાબદાર અને પર્યાવરણના દુશ્મન સમાન તત્વો સામે કાર્યવાહીની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744