અંકલેશ્વરમાં કેવડાત્રીજનો તહેવાર ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે મનાવવામાં આવ્યો હતો. સૌભાગ્યવતી મહિલાઓ અને કુમારિકાઓ એ મહાદેવની પૂજા કરીને કેવડાત્રીજ વ્રતની ઉજવણી કરી હતી.
ગુજરાતમાં કેવડા ત્રીજ અને મહારાષ્ટ્રમાં હરતાલિકા ત્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે. કેવડાત્રીજ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોવાને કારણે અને આ દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થતી હોય છે હિન્દૂ પુરાણ અનુસાર પાર્વતીજી એ શંકર ભગવાનને પતિરૂપે પામવા માટે કઠોર તપ કરતા શંકર ભગવાને પાર્વતીજીને પત્ની તરીકે સ્વીકાર્ય હતા. આમ તો શંકર ભગવાનને કેવડો, દરોઈ અને તુલસી ચઢાવવામાં આવતા નથી પરંતુ માત્ર કેવડા ત્રીજના દિવસે જ શંકર ભગવાનને કેવડો, તુલસી અને દરોઈ ચઢાવવામાં આવે છે. આ કેવડા ત્રીજનું વ્રત કુંવારી કન્યાઓ પણ રાખતી હોય છે.
અંકલેશ્વરમાં કેવડાત્રીજના પાવન પર્વે શિવ મંદિરોમાં સૌભાગ્યવતી મહિલાઓ અને કુમારિકાઓ દ્વારા મહાદેવનું પૂજન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા ઉપવાસ રાખી મહાદેવની પૂજા કરીને કેવડાત્રીજની ઉજવણી કરી હતી.