શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે તારીખ ૨૭ ઓગસ્ટ, ૨૦૨૨, શનિવારના રોજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર અને મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં વરિષ્ઠ અને નામાંકિત મેડિકલ ઓન્કોલોજીસ્ટ, ઓન્કો સર્જન, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ અને ગાયનેક ઓન્કોલોજીસ્ટ દ્વારા ખુબ મોટી સંખ્યામાં કેન્સરના દર્દીઓનું નિઃશુલ્ક કન્સલ્ટેશન અને ચેકઅપ કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં કેન્સરના વિવિધ લક્ષણો જેવા કે – બેસી ગયેલો અવાજ, ખોરાક પાણી ગળવામાં પડતી તકલીફ, શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ, લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ, નીપલમાંથી નીકળતું લોહી, યોનિમાંથી પડતું દુર્ગંધવાળું પ્રવાહી, તલ કે મસાના કદમાં અસામાન્ય ફેરફાર ધરાવતાં દર્દીઓ તેમજ વ્યસનવાળી વ્યક્તિઓએ લાભ લીધેલો હતો અને તેમની જરૂરી સારવાર શરુ કરવામાં આવી હતી. આ પ્રસંગે અર્પણ સુરતી – પ્રેસિડન્ટ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, પંકજ ભરવાડ – ક્લબ સેક્રેટરી, હિતેન આનંદપુરા – પ્રોજેક્ટ ચેરમેન, દક્ષાબેન વિઠલાણી – પ્રેસિડન્ટ, ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર, મનોજ આનંદપુરા – સેક્રેટરી, મહાવીર ઇન્ટરનેશનલ ભરૂચ તેમજ કમલેશ ઉદાણી, ટ્રસ્ટી, જયાબેન મોદી હોસ્પિટલ ઉપસ્થિત રહી દર્દીઓને કેન્સરની સારવાર સમયસર લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જે.બી.મોદી કેન્સર સેન્ટરમાં અને આયુષ્માન ભારત યોજના હેઠળ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે.