અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો દ્વારા જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન વિભાગની કચેરી એ જઇ ખરાબ રોડ-રસ્તાને લઈ લેખિત આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે. આ લેખિતપત્રમાં જણાવ્યુ છે કે અંકલેશ્વર વિસ્તારમાં ઘણા લાંબા સમયથી રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા છે. હાલ વરસાદનો માહોલ હોય મગરમચ્છની પીઠ જેવા બનેલા આ રસ્તાઓ પર કીચડ પ્રસરાયેલું રહે છે. નજીકમાં ગણેશ મહોત્સવ આવનાર હોય આ પ્રકારના માર્ગ પરથી વિઘ્નહર્તા ગણેશજીની શોભાયાત્રા પસાર થવી અત્યંત મુશ્કેલ બનશે આથી અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો દ્વારા રજુઆત કરાઇ છે કે અંકલેશ્વરના ખરાબ રસ્તાઓને તાકીદે રિપેરિંગ કામ કરવામાં આવે.
શ્રાવણી પર્વ પૂર્ણ થવાને આરે હોય બીજી તરફ ગણેશ મહોત્સવ દરવાજે દસ્તક દઈ રહ્યો છે ત્યારે ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈને અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તાને પાકા બનાવવામાં આવે તેમજ રસ્તાની યોગ્ય રીતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે અને અંકલેશ્વરના રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઈટોની પણ ગોઠવણ કરવામાં આવે તેવી માંગ નગરપાલિકા માર્ગ મકાન વિભાગ કચેરી સમક્ષ વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓએ દ્વારા કરવામાં આવી છે.