અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ સ્કૂલની એક યાદગાર મુલાકત સ્વ.અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે લીધી હતી, અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ થકી બાળકોનું ભવિષ્ય વધુ સારું બને તે માટે જરૂરી તમામ સહયોગ કરવાની તેમને કટ્ટીબદ્ધતા દર્શાવી હતી.
અંકલેશ્વરના એક નાના ગામમાંથી દિલ્હી સુધી રાજકારણ તેમજ સેવાકીય ક્ષેત્રે હંમેશા પ્રયત્નશીલ રહેલા સ્વ.અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ પણ પિતાના સેવાકીય ધર્મની ધૂણીને સતત પ્રજ્વલિત રાખી છે. મુમતાઝ પટેલ હાલમાં અંકલેશ્વર પોતાના પિતાના વતનની મુલાકાતે આવ્યા છે. આ સમય દરમિયાન મુમતાઝબેને અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ સ્કૂલની એક મુલાકાત લીધી હતી, અને શિક્ષણક્ષેત્રે જરૂરી પરિવર્તન અને તે માટે સહયોગ આપવાની કટ્ટીબદ્ધતા તેઓએ વ્યક્ત કરી હતી.
સ્વામી વિવેકાનંદ ઈંગ્લીશ મીડીયમના આચાર્ય મીનાક્ષીબેન તેમજ ગુજરાતી માધ્યમના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલ, રોટેરીયન મનીષ શ્રોફ, બ્રાઝીલથી આવેલા ગુસ્તાવો બીયાનચી તેમજ વિદ્યાર્થીઓ સાથે મુમતાઝ પટેલે શૈક્ષણિકક્ષેત્રે જરૂરી બદલાવ અંગે ચર્ચા વિચારણા કરી હતી, અને સરકારી શાળાઓમાં ખાનગી સ્કૂલ કરતા પણ વધુ સારી સુવિધા તેમજ સારું શિક્ષણ મળે તે માટે જરૂરી પ્રયત્નો કરવા અંગે પણ તેઓએ જણાવ્યું હતું, આ પ્રસંગે તેઓએ શહેરના ભરૂચીનાકાથી સ્વામી વિવેકાનંદ સ્કૂલ તેમજ જુના બોરભાઠા બેટ સુધીના સાંકળા માર્ગ અંગે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારમાં આ અંગેની રજૂઆત કરીને માર્ગની સમસ્યાનું સુખદ નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરશે તેમ જણાવ્યુ હતુ.