અંકલેશ્વરના મીરાનાગર ખાતેથી એક આશાસ્પદ ૩૫ વર્ષીય પરપ્રાંતિય યુવાનની લાશ તા.૨૨/૭/૨૨ ના રોજ સવારે લોહીથી લથપથ મળી આવી હતી. મરણજનાર યુવાન મીરાનગરની બાજુમાં આવેલ મારુતિધામ સોસાયટીનો હોવાનું બહાર આવ્યું હતું. ઘટના સ્થળેથી યુવાનની લાશને પી.એમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં મરણ જનારના શરીર ઉપરના ઘા તેમજ માથાના પાછળના ભાગમાં મોટું કાણું પડેલ માલૂમ પડતાં પોલીસે શંકા સેવી હતી કે કોઈ અણીદાર હથિયાત મારવામાં આવ્યું છે જેના પગલે પોલીસે હાજર ડોકટરોના મંતવ્ય મુજબ તેનું સિટીસ્કેન કરવામાં આવ્યું હતું. પરંતુ ચોકકસ કારણ બહાર ન આવતા પોલીસે લાશને સુરત ખાતે ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી હતી.
પોલીસ તપાસમાં પણ મરણજનાર યુવાન મિથુન મહેશ મંડલ મારુતિધામ સોસાયટી-૨ નો રહેવાસી હોવાનું માલૂમ પડયું હતું. મિથુન મંડલ પોતાના ભાઈ ચંદનને સોસાયટીમાં મળ્યો હતો ત્યારે મિથુનના મિત્ર છોટુ મંડલનો ફોન આવતા તે તેને મળવા ગયો હતો. ત્યારબાદ મિથુનની તેના ભાઈ તથા ભાભી સાથે ફોન ઉપર વાત થઈ હતી. ત્યારબાદ સવારે મીરાનગર ખાતેથી મિથુનની લોહીથી લથપથ લાશ મળી આવી હતી અને પરિવારને પણ જાણ થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન પી.આઇ તેમજ ડી.વાય.એસ.પી કિરાગ દેસાઇ પણ ઘટના સ્થળે આવી તપાસ આરંભી હતી. તપાસ કરતાં મિથુનના માથાના પાછળના ભાગે મોટું કાણું પડેલ જણાતા કોઈ અણીદાર હથિયાર માર્યું હોવાની શંકા ઊભી થઈ હતી. મૃતકના ભાઈ ચંદને જણાવ્યુ હતું કે મિથુનના છોટુની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાથી છોટુ એ જ મિથુનની હત્યા કરી છે તેવી શંકા વ્યકત કરી હતી.