અંકલેશ્વર તાલુકા છેવાડાના ગામ પર હવે અસ્તિત્વનો ખતરો ઊભો થયો છે. છેલ્લા 32 વર્ષમાં નર્મદા નદી પુન: અંકલેશ્વર તરફ પ્રયાણ કરી રહી છે. જેને લઇને દોઢ કિલોમીટર સુધીનો વિસ્તાર ધોવાણમાં ગયો છે. હવે આ સંકટ આખા ગામ પર આવીને ઊભું છે, પરંતુ તંત્ર આ બાબતે તદ્દન નિષ્ક્રિય છે.
છેલ્લા 32 વર્ષમાં નર્મદા નદી અંકલેશ્વર તરફ દોઢ કિમી અંદર આવી ગઈ છે. નર્મદા પુરાણમાં ઉલ્લેખ મુજબ પુનઃ અંકલેશ્વર તરફનું પ્રયાણ થતા ગોલ્ડન બ્રિજથી ધંતુરીયા ગામ સુધીના 25 કિમી પટમાં 500 થી વધુ ખેડૂતોએ પોતાની અંદાજિત 1500 થી 1800 એકર જમીન નર્મદા નદીના ધોવાણમાં છેલ્લા 30 વર્ષમાં ગુમાવી છે.
નર્મદા નદીના કાંઠે પ્રોટેક્શન વોલનો સરકાર દ્વારા હજુ પણ અસરકારક રીતે અમલ કરાયો નથી અને પ્રોટેક્શન વોલ પણ ધોવાણમાં જાય છે. આ લોલીપોપ હજી પણ યથાવત રહેતા હવે જૂના બોરભાઠા, બોરભાઠા બેટ અને સરફુદ્દીન ગામનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે.
1976 ની રેલમાં પ્રથમ વખત અંકલેશ્વર તરફ નર્મદાનું ધોવાણ શરૂ થયું હતું, જે એક વર્ષ બાદ અટકી ગયું હતું. જો કે સરદાર સરોવર ડેમના બાંધકામની શરૂઆત થતા ધીરે ધીરે પાણી અવરોધતા નદીનું વહેણ અને પ્રવાહ બદલાયો છે. જેને લઇ ગોલ્ડન બ્રિજથી ધંતુરીયા ગામ સુધીના નર્મદા કિનારે સત્તત 1990 થી જમીન ધોવાણ શરુ થયું છે. 1990 બાદ આજે 31 વર્ષ સુધી પ્રતિ વર્ષ નર્મદા નદીથી કિનારાની જમીનનું ધોવાણ થઇ રહ્યું છે. બોરભાઠા ગામ પાસે દોઢ કિમીનો જમીનનો પટ ધોવાયો છે. મહામૂલી જમીન ગુમાવનાર ખેડૂતો હવે ઘર ગુમાવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગત વર્ષે આવેલાં નર્મદાના પૂરમાં બોરભાઠા સ્મશાન ગૃહ પાસે જમીન ગેબિયન વોલનો પાળો ધોવાઈ જતા હવે બોરભાઠા ગામના અસ્તિત્વ પર સવાલ ઉભો થયો છે.
આ વર્ષે નર્મદામાં પાણી છોડાય તો આખો પટ ધોવાણ સાથે ગામના ઘરો પણ ધોવાણમાં જાય તેવી સ્થિતિ સર્જાય છે. છેલ્લા 2 દિવસમાં નર્મદા નદીના પૂરના પાણીના કારણે ગામથી માંડ 50 ફૂટ દૂર આવેલા કિનારાની ભેખડ ધસી પડી હતી. ધોવાણ શરુ થતા ગામનો મુખ્ય રસ્તો જે સરફુદ્દીન ગામ સાથે જોડાયેલો છે તે ધોવાણમાં તૂટી જવાની શંકા ગ્રામજનોને સતાવી રહી છે. જે તૂટે તો ગ્રામજનોના ઘર સુધી ધોવાણ આવી શકે છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે. ભાડભૂત રીવર કમ બેરેજમાં પાળો ઉભો કરવાની યોજના આજે 3 વર્ષે પણ કાગળમાં જ છે. તંત્ર દ્વારા હાલ મેટલ પેચ વર્ક કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ વર્ષોથી ચાલી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસે પણ આ બાબતે સરકારને ગંભીર બનવાની હાકલ કરી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે જે રીતે ગરીબ ખેડૂતોની ખેતીની જમીન ધોવાણમાં જઈ રહી છે અને વર્ષોથી ખેડૂતોની રજૂઆતનો કોઈપણ પડઘો હજુ સુધી પડ્યો નથી. સરકારે હવે ઝડપ કરવાની જરૂર છે અને જે ખેડૂતોની જમીન ધોવાણમાં ગઈ છે એમને યોગ્ય વળતર તાત્કાલિક અસરથી આપવામાં આવે એવી અમારી માંગ છે.
આ અંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે ભાડભૂત બેલેન્સ યોજનાનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં આ તમામ સમસ્યાઓના નિકાલની જોગવાઈ કરી છે અને જલ્દી જ આ સમસ્યાઓ હંમેશ માટે દૂર થશે અને હવે વધુ ધોવાણ નહીં થાય.