અંકલેશ્વર પાનોલી તેમજ ઝઘડિયા જીઆઇડીસી ના સ્થાનિક ઉદ્યોગોમાંથી નીકળતો ઘન હેઝાર્ડસ કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરતી ભરૂચ એનવાયરો ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ, અંકલેશ્વરના ઉપક્રમે આજરોજ આગામી સુચિત લેન્ડ ફિલ્ડ પ્રોજેક્ટની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી.
વર્ષ ૧૯૯૭ માં અંકલેશ્વર, પાનોલી સહિત ઝઘડિયા જીઆઇડીસી ના ઉધોગો સામે ઘન હેઝાર્ડસ ઘન કચરાના નિકાલ માટે નો યક્ષ પ્રશ્ન હતો તેવા સમયે બેઈલ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. આ દેશની સૌપ્રથમ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાઈડ હતી. ત્યારબાદ તબ્બકા વાર ત્રણ ફેઇઝની લેન્ડ ફિલ્ડ સાઈડનુ વિસ્તરણ થયુ હતુ. આજરોજ ૮ મી જુલાઈના રોજ બેઈલ કંપનીની અલાયદી નવી લેન્ડ ફિલ્ડ સાઈડ માટે પર્યાવરણીય લોક સુનાવણી ભરૂચ જિલ્લાના અધિક કલેકટર જે. ડી. પટેલ તેમજ જીપીસીબી, અંકલેશ્વરના રીજ્યોનલ ઓફિસર વી. ડી. રાખોલિયા ની નિગરાની હેઠળ રાખવામાં આવી હતી. આ પર્યાવરર્ણીય સુનાવણીમાં સુચિત પ્રોજેક્ટ સાઈટ ના ૧૦ કિમીની ત્રિજ્યામાં આવતા ગામોના પ્રતિનિધિઓ, ગામજનો, પર્યાવરણ પ્રેમીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ લોક સુનાવણી દરમ્યાન વિવિધ ગામના પ્રતિનિધિઓ પ્રોજેક્ટ સંદર્ભે ઉભી થનાર આશંકાઓ સંબંધિત વાંધા અરજી, તર્કો તેમજ દલીલો રજુ કરવામાં આવી હતી. જે સામે બેઈલ કંપનીના સતાધીશોએ તાર્કિક કારણો ટેકનિકલ ડેટા તેમજ સી.એસ.આર. પ્રવૃત્તિઓ
તેમજ પર્યાવરણીય માપદંડોનો હવાલો આપીને જણાવ્યુ હતુ કે પ્રોજેક્ટને પગલે સ્થાનિક રોજગાર વાંછુકોને ઘર આંગણે રોજગારી મળશે. તેમજ આ પ્રોજેક્ટ થકી તબ્બકાવાર ૨૦ મેગા વોટ જેટલી વીજ ઉત્પાદન પણ શક્ય બનશે. તેમજ ૪૦ ટકા ગ્રીન બેલ્ટનુ નિર્માણ થશે.
અત્રે નોંધનીય છે કે આ લોક સુનાવણીમાં ખાસ કરીને જીતાલી ગામના લોકોએ જળ, જમીન તેમજ વાયુ તત્વની જાળવણીના મુદ્દે કંપની સતાધીશો સામે પ્રશ્નાર્થો ખડા કર્યા હતા. જે સામે કંપનીના પ્રોજેક્ટ પ્રોપોનટ અશોક પંજવાની અને વી ડી દલવાડીએ આ સુચિત પ્રોજેક્ટ થકી કોઈપણ જાતનું પ્રદૂષણ ફેલાશે નહિ તેવી બાહેંધરી આપતા ગ્રામજનોની શંકાઓનું સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતા.
વધુમાં સામાજિક રાજકીય અને પર્યાવરણ તજજ્ઞોએ આ સુચિત પ્રોજેક્ટને આવકાર્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક દુષ્યંત પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, જીઆઇડીસી એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખ ડી. સી. સોલંકી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ આરતી પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિ જાની, ઉદ્યોગ અગ્રણીઓ,પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહી સુચિત પ્રોજેક્ટ અંગે હકારાત્મક વિચારો રજૂ કર્યા હતા.