રાજ્ય સરકાર દ્વારા આરોગ્યપ્રદ સુવિધાઓ વધુ સઘન બનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વિવિધ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની રૂ.22.38 લાખની ગ્રાન્ટમાંથી ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અત્યાધુનિક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
હાંસોટ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ, કારોબારી ચેરમેન જયેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયર, તાલુકા હેલ્થ ઓફિસર ડો.શુંસાંત કઠોરવાલા, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અનિલ પટેલ, આગેવાન હર્ષદ પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગિરીશ પટેલ તેમજ આમંત્રિતો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવતા 23 ગામના લોકોને આ એમ્બ્યુલન્સનો લાભ મળશે અને મેડિકલ ઈમરજન્સીમાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી તેઓના જીવનની રક્ષા માટે આ એમ્બ્યુલન્સ સંજીવની સમાન સાબિત થશે.