Proud of Gujarat
FeaturedGujaratINDIA

10 બેઠકો માટેની AIA ની જાહેર થયેલી ચૂંટણી છતાં વર્તાતી નીરસતા : નવી પેઢીના, સ્વબળે ઉદ્યોગકાર બનેલાઓને કોઈની “જી હજુરી ” ફાવતી નથી, તેથી….??….

Share

સેંકડો નાના-મોટા ઉદ્યોગોથી ધમધમતા અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં, એક સમયે જેની બોલબાલા રહેતી હતી તેવી AIA ની ચૂંટણી પરત્વે, હવે ઉદ્યોગપતિઓની ઉદાસીનતા ઊડીને આંખે વળગે છે. તા. 30 મી મે ના રોજ ઉમેદવારી નોંધાવવાની આખરી તારીખ છે. કોરોનાકાળના ઘણા સમય પૂર્વેથી ઇલેક્શન ની જગ્યાએ લગભગ સિલેક્શન થાય છે. એકાદ બે સીટ માટે નામ પૂરતું ઇલેક્શન થાય છે. ગેટ ટુ ગેધર જેવું વાતાવરણ હોય છે. તમામના હિત જળવાય છે તેથી ખોટી લમણાકૂટમાં કોઇ પડતું નથી. આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા જેવું ગુડી-ગુડી વાતાવરણ હોય છે.

એક સમયે અહીં સૌરાષ્ટ્ર વર્સીસ મહેસાણા લોબી પ્રવર્તતી હતી. મોટા ઉદ્યોગોવાળા પણ પાછલા બારણે સક્રિય રસ લેતા હતા. ઉદ્યોગકારો ગાંધીનગર અને દિલ્હી સુધીના છેડા મજબૂત રાખવામાં વ્યસ્ત રહેતા હતા. વિવિધ યોજનાઓ, રાહતો,સ્કીમો અને લાભ તાણી લાવવા AIA નું પ્રતિનિધિ મંડળ પ્રયત્નશીલ રહેતું હતું. સરકારી નિયમોની જડતા, આપખુદશાહી અને કાયદાના અર્થઘટન મુદ્દે ઘર્ષણ અને સંઘર્ષ ચાલુ રહેતો. રાજકીય પક્ષના અગ્રણીઓ પણ ગતિવિધિથી માહિતીગાર રહેતા. જરૂર પડે ત્યારે સ્થાનિક મુદ્દાઓને રાજકીય રંગ પણ આપતા. ગળાકાપ સ્પર્ધાના એ દાયકા ક્યારના પુરા થઈ ગયા !!… AIA માં જીતવા કરતા હરાવવાની મજા પણ અનેકોએ માણી છે. ઉદ્યોગ આલમના માંધાતાઓની કાળક્રમે વિદાય સાથે વિવિધ સામાજિક કે સેવાકીય સંસ્થાઓની સ્થાપના કરીને ઉદ્યોગપતિઓ નિજી કદ વધારતા ગયા. સમય જતાં સિસ્ટમ ડેવલપ થઈ ગઈ તેથી હવે AIA ની મહત્તા પણ પહેલા જેવી રહી નથી. એક જ રાજકીય પક્ષની જીહજૂરી કરવાથી કામ થઈ જતાં હોવાથી વર્ચસ્વ જમાવવાના પ્રયત્નો પણ વ્યર્થ થઈ ગયા છે.

Advertisement

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે પણ પર્યાવરણ એક મુદ્દો છે. પ્રદૂષિત ગંદુ પાણી, દૂષિત હવા, અને જમીન બગાડની નીચ હરકત ચાલુ જ છે. કેટલાક કુખ્યાત ઉદ્યોગો સંગઠનના જોરે જ સરકારી અધિકારીઓની રહેમ નજર કેળવવામાં સફળ રહે છે. AIA નો હોદ્દેદાર પ્રદૂષણ ઓકતી કંપનીને પકડવાની જગ્યાએ, પહેલા પોતાના દુષિત નિકાલની વ્યવસ્થા કરી લે છે. એક સમયે આ વસાહતમાંથી ભૂતિયાં અંડરગ્રાઉન્ડ કનેકશનનોનું કૌભાંડ ઝડપાયું હતું. જેને પણ ડીંડક સાબિત કરવામાં કર્તાહર્તાઓ સફળ રહ્યા હતા.હોદ્દાની રૂએ મફતના ભાવે પ્લોટો મેળવી ચૂકેલાઓ એકબીજાને સાચવે એમાં નવાઈ શું છે? વારાફરતી સત્તા આવતી-જતી હતી ત્યાં સુધી AIA ના પદાધિકારીઓનો માન મરતબો જળવાયેલો રહ્યો હતો. હવે કાગળના વાઘ વધુ લાગે છે. જૂની પેઢીની નિષ્ક્રિયતા, દહેજ અને સાયખાનું આકર્ષણ, અંકલેશ્વરમાં સીમિત વિસ્તરણની તક અને પેટ ભરી લીધા પછીની નેતાગીરીમાં કોને રસ હોય??

નવા ETP ની રચના, કથળેલા પંપીંગ સ્ટેશનો, NCT માં વર્ચસ્વ, એસ્ટેટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા, પાણીની કિલ્લત, તોતિંગ વેરા જેવી અનેક બાબતો ચુંટણીના મુદ્દા બની શકે. પરંતુ તે માટે નૈતિક હિંમત ક્યાંથી આવે??? કોઈ એન્જિનિયરિંગવાળો, બરફવાળો કે પેકેજીંગ ઇન્ડસ્ટ્રી વાળો આગળ આવે તો જ શક્ય બને અન્યથા કેમિકલ અને ડાઇઝવાળા તો બધા મામા ફોઈના, એટલે સર્વસંમતિ પરજ મહોર વાગેને, સમજ્યા??


Share

Related posts

સુરતના ઉમરા વિસ્તારમાંથી મહિલાને પ્રેમજાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું.

ProudOfGujarat

ધનોરી ના ખેડૂતે એપલ બોર થકી મેળવી લાખો ની આવક

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામે દવાખાનુ ચલાવતો બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!