અંકલેશ્વર ઉમરવાડા રોડ સ્થિત અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં રોટરી ક્લબ અંકલેશ્વર દ્વારા બુધવારના રોજ ગાર્ડનિંગ માટેના સાધનો અનુદાન તરીકે આપવામાં આવ્યા હતા.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ વર્ષોથી ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમનું શિક્ષણ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને રાહત દરે આપી રહી છે. જેની પ્રતિષ્ઠા પણ ખુબ વધી છે, ત્યારે વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ પણ આ શાળાને પ્રોત્સાહિત કરી રહી છે. બુધવારના રોજ રોટરી ક્લબ અંકલેશ્વર દ્વારા શાળાને ગાર્ડની માટેના જરૂરી તમામ ઓજારો વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી કલબના પ્રમુખ જીગ્નેશ પટેલ, ગીતા શ્રીવત્સન સહિત અન્ય સભ્યો તેમજ શાળાના ટ્રસ્ટી નાઝુ ફડવાલા અને આચાર્ય તેમજ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગીતા શ્રીવત્સને આ પ્રસંગે જણાવ્યું હતું કે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખરેખર આદર્શ અને ઉત્તમ શાળાઓમાં એક છે અને આ શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમાં પણ પ્રોત્સાહન મળે એ માટે પ્રેરિત કરવામાં આવે છે જે ખરેખર એક પ્રશંસનીય બાબત છે. રોટરી ક્લબ આગામી દિવસોમાં પણ શાળાની મદદમાં ઊભી રહેશે. સાંપ્રત સમયમાં પર્યાવરણની જાળવણી અત્યંત જરૂરી છે ત્યારે અમે આજે ગાર્ડનિંગના સાધનોનું વિતરણ કર્યું છે અને શાળાનું વાતાવરણ ખરેખર પર્યાવરણને અનુરૂપ છે અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળ છે એ અનુભવ્યું છે.