અંકલેશ્વર તાલુકાના પાનોલી નજીક ને.હા ૪૮ પર ગોડાઉન ભાડે રાખી આવતા જતા ટેન્કરો માંથી (કાચા તેલ) ની ચોરીના ગોરખધંધાનો પર્દાફાશ કરી ચોરીનો માલ તથા ટેન્કર સહિત બે આરોપીઓની પોલીસે લાખોની કિંમતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ને.હા ૪૮ પર પાનોલી પાસે લક્ષ્મી-૨ વજન કાંટાની બાજુમાં અમુક ઈસમો પતરાનું ગોડાઉન ભાડે રાખી હાઇવે પરથી અવરજવર કરતા ટેન્કરોના ડ્રાઈવરોનો સંપર્ક કરી ટેન્કરમાં પરિવહન થતા પદાર્થોની ચોરી કરાવે છે જે અંગેની બાતમી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચને મળતા પોલીસે સ્થળ પર વોચ ગોઠવી તપાસ શરૂ કરી હતી.
ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવ્યા બાદ સ્થળ પર પહોંચી દરોડા પાડતા ટેન્કર નંબર GJ,12,BT 4886 માંથી પ્લાસ્ટિકના પાઈપ વડે પતરાના ડબ્બાઓ મારફતે ફેટ્ટી એસિડ(કાચા તેલ)ની ચોરી કરતા બે ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, ક્રાઇમ બ્રાંચે કાચા તેલના ડબ્બાઓ તથા ચોરી કરવાના સાધનો મળી કુલ ૪૧,૨૩,૬૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી આ પ્રવૃત્તિ ચલાવનાર મુખ્ય સૂત્રધાર દિનેશ પુરોહિત(મારવાડી)નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ક્રાઇમ બ્રાંચે મામલે બે ઇસમોની ધરપકડ કરી છે, જેમાં હેમારામ લીખમારામ ચૌધરી રહે,બાડમેર (રાજસ્થાન) તેમજ જીતેન્દ્ર કુમાર રતિલાલ પ્રજાપતિ રહે,પાલી(રાજસ્થાન) નાઓની કુલ ૪૧,૨૩,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે મામલે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ