આજરોજ વહેલી સવારે અંકલેશ્વરના નેશનલ હાઇવે ૪૮ પર આવેલ અમન માર્કેટ -૨ માં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી, રેલવે ટ્રેકની બાજુ માં જ આવેલા ગોડાઉનમાં આગ અને તેના ધુમાડાના પગલે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોને પણ ધુમાડાની અસર થઈ હતી.
જોકે ઘટના અંગેની જાણ અંકલેશ્વર DPMC અને નગરપાલિકાના ફાયર વિભાગને થતા ૫ થી વધુ ફાયર ટેન્ડરોએ સ્થળ પર દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો, તો બીજી તરફ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ અને GPCB ની ટિમોએ પણ સ્થળ પર પહોંચી મામલા અંગેની વધુ તપાસ હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતને જોડતી રેલવે લાઇનની નજીકમાં જ અંસાર માર્કેટ અને અમન માર્કેટ આવેલું છે. જ્યાં અવારનવાર આગ લાગવની ઘટનાઓ બનતી હોય રેલવે લાઇન પરથી પસાર થતી ટ્રેનો ઉપર પણ તેની અસર વર્તાતી હોય છે ત્યારે આ પ્રકારના ગોડાઉનો અંગે તંત્રએ ચોક્કસાઈથી તપાસ હાથધરી જો ગોડાઉનો ગેરકાયદેસર હોય તો તેઓની સામે પગલાં ભરવાની તૈયારીઓ કરવી જોઇએ તેમ જાગૃત નાગરિકોમાં આ ઘટનાઓ ચર્ચાનું કેન્દ્ર બની છે.
હારુન પટેલ : ભરૂચ