ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર નજીક નશામાં ધૂત એક કાર ચાલકે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના કાફલાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, સમગ્ર મામલે જિલ્લા ટ્રાફિક પોલીસે શહેર પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર સુરત ઓલપાડના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ સુરતથી ગાંધીનગર તરફ પોતાની સરકારી વાહનમાં હાંસોટ રોડ પરથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન સલાડવાડ વિસ્તાર નજીક BMW કારમાં નશામાં ધૂત રહેલા હેતલ મોદીએ પાયલોટિંગ કરી રહેલ પોલીસ વાહનએ સાયરન વગાડવા છતાં પોતાની કાર ખસેડી ન હતી, એટલું જ નહીં હેતલ મોદીએ કારને અચાનક જ માર્ગ પર ઉભી કરી પોલીસ જવાનો સાથે માથાકૂટ કરી હતી.
કાર ચાલકની મંત્રીના કાફલા સાથે થયેલ માથાકૂટને પગલે એક સમયે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે મામલા અંગે ટ્રાફિક પોલીસને જાણ થતાં તુરંત પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી કાર ચાલક હેતલ મોદીને શહેર પોલીસ મથકે લઇ જઇ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.