અંકલેશ્વરના કાપોદ્રા વિસ્તારમાં ગતરોજ લોકડાયરાનો એક કાર્યક્રમ યોજાયો હતો, અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના અને તૃષિકુલ ગોધામ દ્વારા યોજાયેલા શાકોત્સવ કાર્યક્રમમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લોકડાયરામાં નોટોની વરસાદ વચ્ચે હવામાં ફાયરીંગ કરતો એક યુવાન નજરે પડ્યો હતો, એક બે નહિ પરંતુ ત્રણ ત્રણ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરવામાં આવી હોવાનું વાયરલ વીડિયોમાં નજરે પડ્યો હતો.
યુવાનના હાથમાં રહેલ પિસ્તોલમાંથી ધડાધડ ત્રણ જેટલા ફાયર કરતા યુવાન ઉપર નોટો વરસાદ થતો પણ જોવા મળ્યો હતો ત્યારે યુવાનના હાથમાં રહેલ પિસ્તોલ અસલી હતી કે નકલી તે મામલે હજુ સુધી આયોજકો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું ન હતું, તેમજ વાયરલ વીડિયો બાદ પોલીસ વિભાગે પણ તપાસની તજવીજ હાથધરવાની કવાયત શરૂ કરી હતી.
મહત્વની બાબત છે કે આજ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ લોકડાયરા અગાઉ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તેઓએ કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય પણ રજૂ કર્યા હતા, વાયરલ વીડિયો બાદ આખો મામલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
હારૂન પટેલ