ધોરણ 10 ની પરીક્ષાની ટૂંક સમયમાં શરૂઆત થશે ત્યારે કોરોના વિપરીત અને વિષમ સમયમાં વિદ્યાર્થીઓ પોતાનું સ્વાસ્થ્ય સાચવે તે અત્યંત આવશ્યક છે. આ સંદર્ભે અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલય ખાતે ધોરણ 10 ના પરીક્ષાનું વિદ્યાર્થીઓની આરોગ્યની જાળવણી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચાણક્ય વિદ્યાલય ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થાય તે પહેલાં તેમના સ્વાસ્થ્યને સારું રાખવા, તંદુરસ્ત આહાર દ્વારા યાદશક્તિ વધારવા અને જંક ફૂડથી દૂર રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. જંક ફૂડ રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે અને પાચનની સમસ્યા ઉત્પન્ન કરે છે. આ પ્રસંગે ચાણક્ય વિદ્યાલયના આચાર્ય સુવર્ણ પાટીલ ઉપરાંત અંકલેશ્વરના પ્રખ્યાત ડાયટિશીયન અને ઈનરવ્હીલ ક્લબ ઑફ અંકલેશ્વરના સંધ્યા મિશ્રા તથા શાળાના અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંજય મિશ્રાએ જણાવ્યું હતું કે હાલમાં કોરોનાનો ભય સદંતર ટળી ગયો નથી. દસમું ધોરણ એટલે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર માટેનું પાયાનું વર્ષ છે ત્યારે એની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ પોતાના આહારમાં અત્યંત સાવધ રહે એ જરૂરી છે. અંકલેશ્વરમાં આહાર અંગે એટલી જાગૃતિ વિદ્યાર્થી જગતમાં આવતી નથી ત્યારે ચાણક્ય વિદ્યાલય દ્વારા આ એક નવી પહેલ કરી છે જે ખરેખર પ્રશંસનીય છે. આ માર્ગદર્શન શિબિરમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને આહારમાં નિયમિતતા જાળવવા માટે અને બહારનું જમવાનું હાલ તુરત ટાળવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જેથી તેઓ સ્વસ્થ આરોગ્ય અને સ્વસ્થ ચિત્તે પોતાની પરીક્ષાઓ આપી શકે.