અંકલેશ્વરમાં અચરચ પમાવતી અજીબોગરીબ ઘટના સામે આવી છે. અંકલેશ્વરના વકીલની ચાલુ કારમાં બોનેટમાં બિલાડી ફસાઈ જવા પામી હતી. આર્ટિગા કાર લઈ વકીલ ઘરેથી કોર્ટ જતા રસ્તામાં બની ઘટના હતી. કોર્ટના પાર્કિંગમાં લોકોએ કહ્યું ગાડીના રેડીએટર પાસે બિલાડી ઘુસી ગયેલ હતી ત્યારે વકીલ દ્વારા ગેરેજમાં કાર લઈ જઈ બોનેટ ખોલી બિલાડીને સુરક્ષિત મુક્ત કરાવી હતી.
ચાલુ ગાડીએ કારના આગળના ભાગમાં બોનેટમાં બિલાડી ઘૂસી જવાની ઘટના અંકલેશ્વરમાં ગુરૂવારે બનતા ટોળા ભેગા થઇ જવા સાથે કુતૂહલ સર્જાયું હતું. ભરૂચમાં અગાઉ કારના બોનેટમાં સાપ ઘૂસી જવાની તેમજ હાઇવે ઉપર સ્પીડમાં જઇ રહેલી કારના બોનેટમાં વાનર ફસાઈની ઘટનાઓ બની છે. ગુરુવારે આવી જ એક ઘટના ચાલતી કારમાં બની હતી.
અંકલેશ્વરની ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા વકીલ અનિષ દિનેશભાઇ દિવેચા કામ અર્થે તેઓની આર્ટિગા કાર લઈ કોર્ટ જવા નીકળ્યા હતા. કાર ચલાવી તેઓ સિવિલ કોર્ટમાં પહોંચ્યા ત્યારે તેમને ખ્યાલ ન હતો કે ચાલુ કારે ક્યાંથી છલાંગ મારી આવેલી બિલાડી તેમની કારના બોનેટના આગળના ભાગે ઘુસી ગઈ છે. અંકલેશ્વર કોર્ટના પાર્કિંગમાં એડવોકેટ અનિષ એ કાર પાર્ક કરી પોતાનું કામ આટોપી પરત ફરે છે. ત્યારે કાર પાસે ટોળાને જોઈ તેવો નવાઈ પામે છે. લોકો વકીલને અવગત કરે છે કે તમારી કારના આગળના ભાગે રેડીએટર પાસે એક બિલાડી ઉછાળા મારી રહી છે. જીવંત બિલાડીને ફસાયેલી જોઈ વકીલ પણ અચરજમાં મુકાઈ ગયા હતા. તેઓએ તરત ફસાયેલી બિલાડીને મુક્ત કરવા કાર નજીકના ગેરેજમાં હંકારી મૂકી હતી. ગેરેજવાળા એ કારનું બોનેટ ખોલી રેડીએટર પાસે ફસાયેલી બિલાડીને બહાર નીકળવા જગ્યા કરી આપતા તે તુરંત કૂદીને બહાર નીકળી ગઈ હતી. બિલાડી બચી જતા વકીલે હાશકારો માન્યો હતો.