સમગ્ર અંકલેશ્વર પંથકમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી પતંગ રસિયાઓએ કરી હતી વહેલી સવારથી મોડી રાત્રી સુધી અંકલેશ્વરના આકાશમાં રંગબેરંગી પતંગોથી મેઘધનુષી આભા જોવા મળી હતી.
અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી પવન સારો રહેતાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. સાંજ સુધી પતંગ ઉડાવ્યા બાદ અંધારૂ થતાંની સાથે ઉત્તરાયણનું પર્વ દિવાળીમાં ફેરવાઈ ગયું હોય તેમ આકાશ રંગબેરંગી આતશબાજીથી શોભી ઉઠયું હતું. આખો દિવસ એ.. લપેટ, એ.. કાયપો છે ની બુમો અને ડીજેના તાલથી તહેવારની રંગત બરાબર જામી હતી. લોકોએ દાન કરવાની સાથે ગાયમાતાને ઘુઘરી ખવડાવી હતી.
શુક્રવારે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ તેમના પરિવાર સાથે ધાબા, અગાસી અને છાપરાઓ પણ ગોઠવાઈ ગયાં હતાં. અવનવી ડીઝાઇનની ટોપી અને ચશ્મા સાથેના પતંગરસિકોએ આર્કષણ જમાવ્યું હતું. જુના તથા નવા ગીતોના સથવારે ધાબાઓ જ ડીસ્કો થેક જેવા બની ગયાં હતાં. ડીજે પર પ્રતિબંધ હોવાના કારણે ધમાકેદાર મ્યુઝિકનો અભાવ જોકે લોકોને સાલ્યો હતો. અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તારમાં ડીજે વાગતા અંકલેશ્વર શહેર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સવારથી પવન હોવાના કારણે આકાશ રંગબેરંગી પતંગોથી છવાય ગયું હતું. “એ. કાયપો છેે, એ.. લપેટ”ની બુમોએ પતંગના પર્વની રોનકમાં વધારો કર્યો હતો. યુવા વર્ગ પતંગ ચગાવવાની સાથે સેલ્ફી લેવામાં મશગુલ બની ગયો હતો. અગાસીઓ પર જ ફાફડા, જલેબી, ઉંધીયું, ચીકી, બોર અને શેરડીની જયાફત માણવામાં આવી હતી. સવારથી સાંજ સુધી આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું રહ્યું હતું. પણ સૂર્યાસ્ત થતાંની સાથે માહોલ બદલાયો હતો. આકાશમાં પતંગોનું સ્થાન ગુબ્બારા અને આતશબાજીએ લઇ લીધું હતું. ફટકડાની ગુંજ અને આતશબાજીથી ઉત્તરાયણનું પર્વ દિવાળીમાં ફેરવાઈ ગયું હતું. મોડી રાત સુધી લોકોએ ધાબાઓ તેમજ અગાસીઓ ઉપર જ જમાવટ કરી હતી.