અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર સમક્ષ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલાનાં પરિજનોને સહાય રૂ.ચાર લાખ આપવા તથા કોવિડગ્રસ્ત લોકોને તમામ મેડિકલ બિલ ચૂકવવા માટેની લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ લેખિતપત્રમાં જણાવ્યા અનુસાર કોવિડ-19 મહામારી હાલમાં ઝડપથી ફેલાય રહી છે તેને રોકવા માટે ગંભીર પગલાં લેવાની સરકારને આવશ્યકતા છે. ગુજરાતમાં મોટો વર્ગ પોતાની રોજીંદી આવક ઉપર નિર્ભર છે. ગુજરાતમાં આર્થિક પ્રવૃત્તિઓ બંધ થાય તો સામાન્ય નાગરિકને પરવડે તેમ ના હોય, કોરોનાની મહામારીમાં ગુજરાત સરકારના બેદરકારી અને અણઘડ વહીવટનાં કારણે હોસ્પિટલોમાં બેડ, ઑક્સીજન, વેન્ટીલેટરની સરવારના અભાવે ગુજરાતનાં દર્દીઓને ખાનગી હૉસ્પિટલમાં મોંઘી સારવાર લેવી પડી અને ખાનગીમાં પ્રજાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હોય. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલ થયા, મૃતકના પરિવારો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે માત્ર 50,000/- રૂપિયા વળતર ચૂકવવાનો મજાક કર્યો છે.
એક તરફ સરકાર કોરોનામાં મૃત્યુનાં આંકડા છુપાવે છે. મૃત્યુનાં પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખવામાં આવે છે આથી અમારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અંકલેશ્વરની માંગણી છે કે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને રૂ. ચાર લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવે. કોવિડથી મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનોને નોકરી સહિતની સુવિધા આપી અને આર્થિક મદદ કરવામાં આવે.
ગુજરાત રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે, એરોપ્લેન, હેલિકોપ્ટર જેવી સેવાઓમા કરોડો રૂપિયા વેડફે છે પરંતુ કોરોનાના મૃતકોનાં પરિવારને મદદ નથી કરતાં, કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોને રૂ.4 લાખની સહાય ચૂકવવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગણી છે.