રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુની ઉંમરના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો સોમવારથી પ્રારંભ થયો છે. ત્યારે અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા ૨૭ સેન્ટરો ઉપર વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી છે.
અંકલેશ્વરમાં તા.૧૦/૧/૨૦૨૨ને સોમવારથી હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ્લાઇન વર્કર તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યાક્તિઓની કે જેઓ અન્ય ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી છે. આ રસી લેવાથી કોરોના સંક્રમણ અટકાવવામાં મદદરૂપ થશે તેમજ જે વ્યક્તિઓએ કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ લીધો હોય અને ૯ માસ પૂર્ણ થયા હોય અને કાયમી ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય તેવી વ્યક્તિઓ જ પ્રિકોશન ડોઝ લઇ શકશે, અંકલેશ્વર આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા શહેરના શારદા ભવન ટાઉન હોલ સહીત બે સ્થળે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જીઆઇડીસી નોટીફાઈડમાં બે સેન્ટરો તેમજ પીએચસી-સીએચસી અને સબ સેન્ટર મળી કુલ ૨૭ સેન્ટરો ઉપર પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી છે ત્યારે શહેરના શારદા ભવન ટાઉન હોલ અંકલેશ્વર ખાતે ડોઝ લેવા માટે ૬૦ વર્ષથી વધુની ઉમરના વયસ્કોની કતાર લાગી હતી અને ઉત્સાહભેર પ્રિકોશન ડોઝનો ડોઝ લીધો હતો.