અંકલેશ્વર ખાતે કાર્યરત સ્વયંસેવી સંસ્થા રોટરી ક્લબ દ્વારા તારીખ ૧૮ અને ૧૯ ડિસેમ્બરે સ્ત્રીઓ માટે સ્તન અને ગર્ભાશય મુખના કેન્સર અંગે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રોટરી ક્લબ દ્વારા અંકલેશ્વર શહેરી વિસ્તારમાં તારીખ 18 ડિસેમ્બરના રોજ સવારે જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડ ખાતે સવારે ૯ થી 5 દરમિયાન આ કેમ્પનું આયોજન કરાયું છે. અને ૧૯ ડિસેમ્બરના રોજ સરદાર પટેલની વાડી જીઆઇડીસી ખાતે પણ આ જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિશેષ મોબાઈલ વેનની વ્યવસ્થા કરાઈ છે.
અંકલેશ્વર શહેરી વિસ્તારમાં યોજાનાર આ કેમ્પ માટે અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરી વિસ્તારમાં રોટરી ક્લબ દ્વારા અનેક સેવાકીય અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાતી હોય છે ત્યારે આ કેમ્પનો લાભ પણ જરૂરિયાતમંદ લોકો મોટી સંખ્યામાં લે એ જરૂરી છે.
રોટેરિયન મનીષ શ્રોફે જણાવ્યું હતું કે આ કેમ્પમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સરના આઠ અલગ અલગ લક્ષણો અંગે વિનામૂલ્યે તપાસ અને નિદાન કરવામાં આવશે. આ મોબાઈલ માટે રૂપિયા 1.80 કરોડ ખર્ચવામાં આવ્યા છે અને આ સેવા અંકલેશ્વર માટે હરહંમેશ ઉપલબ્ધ રહેશે. રોટરી ક્લબ હંમેશા અંકલેશ્વર શહેરી વિસ્તાર કે જી.આઇ.ડી.સી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્યલક્ષી સેવાઓ આપવા માટે કટિબદ્ધ પહેલા પણ હતી અને આગામી દિવસોમાં પણ રહેશે. લોકો આનો મહત્તમ લાભ લે એ જ અમારો ઉદ્દેશ છે. આગામી દિવસોમાં પણ જ્યારે જરૂર પડશે ત્યારે આ મોબાઈલ વેન સેવામાં ઉપસ્થિત રહેશે. આ અંગે રોટરી ક્લબની ભગીની સંસ્થા ઈનરવ્હીલ ક્લબના સંધ્યા મિશ્રાએ જણાવ્યું હતું કે સ્ત્રી રોગ માટે આ વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે ત્યારે મહિલાઓ આગળ આવે અને તપાસ અને નિદાન કરાવે એ ઇચ્છનીય છે.