અંક્લેશ્વર તાલુકાના કાપોદ્રા ગામેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગારને દેશી તમંચા અને એક જીવતા કારતુસ સાથે ઝડપી લીધો છે. મૂળ રાજસ્થાનના અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ગ્રામ પંચાયતોની ચૂંટણી ટાણે હથિયાર સાથે ઝડપાયેલા આરોપી ક્યાં ગુનાને અંજામ આપનાર હતા તેની તપાસ હાથ ધરાઈ છે.
ગ્રામ પંચાયતોની ચુંટણી અનુલક્ષીને ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિ જળવાઇ રહે તે માટે ભરૂચ જીલ્લામાં હાલ ચેકીંગ અને પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. જિલ્લામાં LCB દ્વારા ચૂંટણી ટાણે કાયદો વ્યવસ્થા જાળવવા અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
ભરૂચ LCB ની ટીમ બુધવારે અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન માહીતી મળેલ કે અગાઉ ચોરીના ગુનાઓમા પકડાયેલ એક રીઢો આરોપી પોતાની પાસે તમંચો લઇ ફરી રહ્યો છે. જે આધારે કાપોદ્રા ગામ ખાતે વોચમાં રહી રીઢા આરોપીને એક દેશી બનાવટના તમંચો તથા જીવતા કારતુસ સાથે ઝડપી લીધો હતો. કાપોદ્રા ગામમાં ભાડેથી રહેતા મૂળ રાજસ્થાનના ભેરૂ ઉર્ફે વીરૂ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસીંગ રાજપુતની રૂ.5000 નો તમંચો, એક કારતૂસ, રૂ.1.50 લાખના ટેમ્પા સાથે ધરપકડ કરાઈ છે. જ્યારે રામાવતાર ઉર્ફે રામકુમાર ગણપતદાસ સ્વામીને વોન્ટેડ જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ બંન્નેવ આરોપી અગાઉ અંકલેશ્વર અને કોસંબામાં ચોરીના ગુનામાં પણ પકડાયેલા છે.