અંકલેશ્વર નગરપાલિકાનાં સત્તાધીશોને લોકોના કર દ્વારા એકત્રિત થયેલ ફંડની કોઈ પડી નથી તેવું જણાઈ રહ્યું છે. તેથી જ લાખો રૂપિયાનાં ખર્ચે વસાવેલ વિવિધ મશીનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. તેમજ શૌચાલયો બિસ્માર હાલતમાં જણાઈ રહ્યા છે.
અંકલેશ્વર નગરનાં રહેવાસીઓ મહેનત કરી નગરપાલિકાને વિવિધ કર ચૂકવી નાણાં આપે છે જેથી અંકલેશ્વર નગરપાલિકા પાસે પૂરતું ભંડોળ છે પરંતુ આ નાણાકીય ભંડોળનો સદઉપયોગ નહીં પણ દુરઉપયોગ થઈ રહ્યો છે. જેમ કે વિવિધ મશીનો વસાવવામાં આવ્યા પરંતુ આ મશીનોનાં જનહિતમાં ઉપયોગ થઈ રહ્યા નથી. જેમ કે રૂ.દસ લાખનાં ખર્ચે ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ લગાવવામાં આવી અને મોટાપાયે તેનું લોકાર્પણ કરાયું જે તે સમયે ઉપસ્થિત તમામે ટ્રાફિક સિગ્નલ ટ્રાફિક નિયમન માટે ખૂબ મહત્વના સાબિત થશે તેમ જણાવ્યુ હતું જયારે આજે ટ્રાફિક સિગ્નલો ધૂળ ખાઈ રહ્યા છે. તેવી જ રીતે રૂ. દસ લાખનાં ખર્ચે માર્ગો પરની ધૂળ સાફ કરવાનું મશીન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વસાવવામાં આવ્યું હતું પરંતુ ધૂળ સાફ કરવા માટેનું મશીન ખુદ ધૂળ ખાઈ રહ્યું છે પરંતુ નગરપાલિકાના સત્તાધીશોને તેની પડી નથી. આ ઉપરાંત રૂ.ચાર લાખનાં ખર્ચે રસ્તા પર રખડતા ધોરોને પકડવા પાંજરા વસાવવામાં આવ્યા હતા પરંતુ આવા પાંજરાઓનો કોઈ ઉપયોગ ન થતાં લાકો રૂપિયાનો વ્યય થયો છે તેવી જ રીતે લાખો રૂપિયાના ખર્ચે બંધાયેલ શૌચાલયો પણ બિસ્માર હાલતમાં જણાય રહ્યા છે. આ તમામ મશીન અને શૌચાલયનાં ફોટા વાઇરલ થઈ રહ્યા છે. આમ અંકલેશ્વર નગરનાં રહેવાસીઓ મહેનત કરીને નગરપાલિકાના વિવિધ કર ભરે છે પરંતુ અંકલેશ્વર નગરપાલિકાને તેની કોઈ પરવાહ નથી એમ ચર્ચાઇ રહ્યું છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર