સમગ્ર ગુજરાતમાં હાલ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ચાલી રહી છે. જે ઉજવણીના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે બાઇક રેલી આવી પહોંચતા અંકલેશ્વરનાં પદાધિકારીઓ દ્વારા બાઇક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે રેલીનું કચ્છ જિલ્લાના લખપત ખાતેથી પ્રસ્થાન કરાયું હતું. ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના એક ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા યોજાયેલ મોટરસાયકલ રેલી વડોદરા, કરજણ, પાલેજ, નબીપુર, અને ભરૂચ થઈ અંકલેશ્વરના ગડખોલ પાટિયા આવી પહોંચી હતી અને બહેનો દ્વારા પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરાયું હતું.
રેલીઓ અલગ અલગ રાજ્યોમાંથી પસાર થઈ લોકોને આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા અંગે જનજાગૃતિ કરી તમામ રેલીઓ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્રિત થશે. એક રેલી ૧૯ મી ના રોજ કચ્છના લખપતથી પ્રસ્થાન થઈ હતી જે આજરોજ વડોદરા, કરજણ, પાલેજ, નબીપુર, અને ભરૂચ થઈ અંકલેશ્વર આવી પહોંચી હતી. ગુજરાત પોલીસની મોટરસાયકલ ઇન્ચાર્જ બી એમ દેસાઈ રેલીમાં સાથે અંકલેશ્વર ડીવાયએસપી અને મામલતદાર નાયબ કલેકટર સાથે અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોટરસાયકલ રેલીને ઉપસ્થિત આગેવાનોએ ફ્લેગ ઓફ આપી આગળનાં સ્થાને રવાના કરાઈ હતી. અહીંથી રેલી કામરેજ, બારડોલી અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પહોંચશે.
મુકેશ વસાવા : અંકલેશ્વર